Tana-Riri Mahotsav: વડનગર (Vadnagar) ખાતે બે દિવસીય તાના-રીરી સંગીત મહોત્સવ (Tana-Riri Music Festival) સમાપન થયું છે. આ બે દિવસ આખું વડનગર સંગીતના સૂરમાં ઝુમી ઉઠ્યું હતું. આજે શનિવારે બે દિવસીય તાના રીતી મહોત્સવનું સમાપન થયું છે ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિતિ સામાજિક અગ્રણી સોમભાઈ મોદી જણાવ્યું હતું કે, શાસ્ત્રીય સંગીતના વારસાની જાળવણી અર્થે ઉજવાતા તાના-રીરી મહોત્સવ અને ઉત્તરાર્ધ મહોત્સવને લીધે મહેસાણા જિલ્લો અને ગુજરાત ગૌરવશાળી બન્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાના-રીરી વિરાંગના કલાધારિણી બહેનોને સુરાંજલિ અર્પવા માટે તાનારીરી ગાર્ડનનું નિર્માણ કરાયું છે. આ બે બહેનોની સંગીત આરાધનાની કથાને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જવાનો રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં દ્વ્રિ દિવસીય સમાપન સમારંભમાં નીરજ પરીખ અને વૃંદ અમદાવાદ દ્વારા કેશવ ગાન, પદ્મભૂષણ પંડીત વિશ્વ મોહન ભટ્ટ અને વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ, રાકેશ ચૌરસીયા મુંબઇ દ્વારા બાસુરી અને સિતારજુગલબંધીની પ્રસ્તુતિ કરાઇ હતી.
તાના-રીરી મહોત્સવના સમાપન સમારોહમાં સામાજિક અગ્રણી સોમભાઈ મોદી, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, ધારાસભ્ય ડૉ આશાબેન પટેલ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશ્નર પી. આર. જોષી, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી ડૉ ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર આઈ.આર વાળા નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ મોટી સંખ્યામાં કલા રસીકો ઉપસ્થિત રહ્યા હતા.