કડીઃ ડીંગુચાના પરિવારની અમેરિકામાં બનેલી ઘટના ગુજરાતમાંથી થતી કબૂતરબાજી અમરિકા અને કેનેડાની એજન્સીઓ માટે મોટો મુદ્દો બની ગયો છે. આવામાં ખોટી રીતે લોકોને અમેરિકા મોકલવાના પેંતરા કરનારાને રડારમાં લેવામાં આવી રહ્યા છે આમ છતાં લોકો વિદેશ જવાની લાલચમાં છેતરાઈ રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો કડીમાં બન્યો છે. બોબી પટેલ અને યોગેશ પટેલના પકડાયા બાદ કબૂતરબાજીનો રેલો છેક PMO સુધી પહોંચ્યો છે.
50 લાખ રૂપિયામાં નિલેશ પટેલને અમેરિકા લઈ જવાનું નક્કી થયા બાદ એજન્ટને રૂપિયા 28 લાખ આપવામાં આવ્યા હતા, આમ છતાં તેમને અમેરિકા લઈ જવાનું કહીને યુગાન્ડા લઈ જવામાં આવ્યા હતા અને પછી તેમને ત્યાંથી આગળ ના લઈ જવામાં આવતા સ્વખર્ચે ઘરે પરત લાવવામાં આવ્યા હતા. હવે જ્યારે રૂપિયા પરત માગવામાં આવે તો એજન્ટ દ્વારા ધમકી આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ નિલેશ પટેલના ભાઈ નીતિન પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. (પીડિતના ભાઈ નીતિન પટેલ)
નીતિન પટેલે જણાવ્યું કે, "2019માં મારા ભાઈને કેતુલ ગોસ્વામી અને કલ્પેશ વ્યાસે તેમને ભારતથી યુગાન્ડા લઈ ગયા હતા. આ પછી તેમને 20 લાખ આપવામાં આવ્યા હતા અને પછી કેતુલના ભારત આવ્યા બાદ વધુ 8 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. આમ છતાં તેઓ મારા ભાઈને અમેરિકા લઈ ગયા નહોતા, આ પછી અમે ભાઈને સ્વખર્ચે પરત લાવ્યા છીએ."
નીતિને પોતાના ભાઈ સાથે બનેલી ઘટના વિશે વધુમાં જણાવ્યુ કે, "આ પછી અમે (એજન્ટો) પાસે અવારનવાર રૂપિયાની માગણી કરી પરંતુ તેમના દ્વારા રૂપિયા આપવામાં આવ્યા નથી ને જે થાય તે કરી લેજો તેવી ધમકી આપી છે." નીતિન પટેલે જણાવ્યું કે તેમના ભાઈને રૂપિયા 50 લાખમાં અમેરિકા મોકલવાનું નક્કી થયું હતું પરંતુ તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા નથી અને અમારી પાસે 28 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.