

એક તરફી પ્રેમમાં પાગલ લોકો કંઇપણ કરી છૂટતા હોય છે. આવી જ ઘટના રાજકોટમાં બની છે જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરિણીતાને પેટ્રોલ છાંટી બાદમાં પોતે પણ સળગી ગયો હતો. ઇજાગ્રસ્ત પરિણીતા અને પાગલ પ્રેમીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથધરી છે.


પ્રાપ્ત માહિતી મુજબ ચંદ્રનગર-૧માં રહેતી એકતાબેન (પૂજાબેન) હિતેષ ઉર્ફ અમિત મોટવાણી (ઉ.૨૫) નામની સગર્ભા બપોરે પોતાના ઘર બહાર શેરીમાં રેંકડીમાંથી બકાલુ લઇ રહી હતી ત્યારે બાજુમાં જ રહેતાં તેના કાકીજી સાસુ રાધાબેન કિશનચંદ દૂધવાળાના ઘરે તેમનો જમાઇ ચેતન વનમાળીદાસ પલાણ (ઉ.૪૦) આવ્યો હતો. ચેતન કાલાવડ રોડ રાણી ટાવર પાછળ આવાસ યોજના કવાર્ટરમાં રહે છે. ચેતન સાસુના ઘર પાસેથી અચાનક જ એકતાબેન શાકભાજી લઇ રહી હતી તે લારી પાસે આવ્યો હતો અને પોતાની પાસેથી પેટ્રોલની બોટલ કાઢી હતી. એકતાબેન (પૂજાબેન) કંઇ સમજે એ પહેલા તેણે તેણી ઉપર પેટ્રોલ છાંટી દીધુ હતું અને બાદમાં પોતાના ઉપર પણ છાંટી કાંડી ચાંપી લીધી હતી. ભડકો થતાં એકતાબેન ભાગી હતી. ચેતને દોટ મુકી સળગતી હાલતમાં તેણીને બથ ભરી લેતાં બંને દાઝી ગયા હતાં.


ઘટનાને પગલે દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને બંનેની આગ બુઝાવી હતી. ૧૦૮ને જાણ કરવામાં આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ એકતાએ પોતાને કાકીજી સાસુ રાધાબેનની દિકરી કવિતાના પતિ ચેતન પલાણ એટલે કે પોતાના નણદોયાએ પેટ્રોલ છાંટી સળગાવ્યાનું જણાવતાં તે મુજબની એન્ટ્રી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. એકતાબેન (પૂજાબેન)એ જણાવ્યું હતું કે તેના નણંદ કવિતાબેને ચેતન પલાણ સાથે પ્રેમલગ્ન કર્યા છે. તેને સંતાન નથી. પોતાના લગ્ન ચાર વર્ષ પહેલા હિતેષ મોટવાણી સાથે થયા છે અને હાલમાં પેટમાં પાંચ માસનો ગર્ભ છે. રાધાબેન દુધવાળા પતિ હિતેષના સગા કાકી થાય છે. પતિ હિતેષ કુરીયરનું કામ કરે છે.


એકતાબેને એમ પણ કહ્યું હતું કે છેલ્લા એકાદ વર્ષથી નણદોયો ચેતન ધરાર પાછળ પડી ગયો છે. આ બાબતે તેને અગાઉ ઠપકો પણ આપ્યો હતો. આજે તે પેટ્રોલની બોટલ લઇ પુરતી તૈયારી સાથે જ આવ્યો હતો અને પોતે શાકભાજી લઇ રહી હતી ત્યારે ત્યાં આવી પેટ્રોલ છાંટી દઇ બાદમાં પોતાના પર પણ છાંટી કાંડી ચાંપી આગ લગાડી હતી અને સળગતી હાલતમાં પોતાને ભેટી પડ્યો હતો અને બંને દાઝી ગયા હતાં. એકતાબેનના માવતર ભાવનગર રહે છે અને તેણી બે ભાઇ તથા ત્રણ બહેનમાં બીજા નંબરે છે. ચેતને એવું રટણ કર્યુ હતું કે એકતા તેના પૈસા ખાઇ ગઇ છે. જો કે તેણે આ ખોટા આક્ષેપો કરી પોતાનો બચાવ કરવા પ્રયાસ કર્યાનું એકતાબેનના પતિએ જણાવ્યું હતું. પોલીસે એકતાબેનની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. બનાવને પગલે ચંદ્રનગરમાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.