વડોદરા: વડોદરા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ (Vadodara SOG PI Ajay Desai )ના પત્ની સ્વીટી પટેલ (Sweety Patel Missing) ગુમ થવાનો મામલો હવે વધરે ગૂંચવાયો છે. આ મામલે હવે સ્વીટી પટેલના પતિ એવા PI અજય દેસાઈનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ (Narco and Polygraph test)કરવાની કોર્ટે મંજૂરી આપી છે. કોર્ટે તપાસ અધિકારીને બંને ટેસ્ટ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ મામલે તપાસ અધિકારી ડીવાયએસપી તરફથી અજય દેસાઇનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. આ કેસમાં બે દિવસ પહેલા દહેજના અટાલી ગામ ખાતેથી કેટલાંક હાડકાં મળ્યા હતા. જોકે, આ મામલે હાલ એફએસએફ (FSL) તપાસ કરી રહી છે. આ કેસમાં જેમ જેમ નવી વિગતો સામે આવતી જાય છે તેમ તેમ કેસ વધારે ગૂંચવાતો જાય છે.
SOG PI અજય.એ.દેસાઈનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટને મંજૂરી મળ્યા બાદ હવે આગામી દિવસોમાં બંને ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પીઆઈના સીડીએસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ગુમ થયેલા સ્વીટી પટેલને શોધવા માટે દહેજ પંથકના વિવિધ ગામો ખાતે પોલીસની ટીમો તરફથી સર્ચ ઓપરેશન શરૂ રાખવામાં આવ્યું છે. છેલ્લા છ દિવસથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
હાડકાં મળ્યાં: ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પોલીસની તપાસ ટીમને દહેજના અટાલી ગામ ખાતેથી કેટલાંક હાડકાં મળ્યા હતા. આ હાડકાં માનવ શરીરના હોવાથી તેને તપાસ માટે સુરત એફએસએલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઇનું મોબાઇલ લોકેશન પણ આ ગામ ખાતે મળી આવ્યું હતું. આથી પોલીસને હાડકાં મળવા અને અજય દેસાઇનું લોકોશન આ જ ગામમાં મળ્યું હોવા અંગે કોઈ કડી મળી રહી હોવાનું લાગી રહ્યું છે. જોકે, એફએસએલ રિપોર્ટ બાદ જ માલુમ પડશે કે હાડકાં સ્વીટી પટેલના છે કે નહીં.
શું છે આખો બનાવ?: વડોદરાના કરજણની પ્રાયોશા સોશિયટી ખાતે રહેતા સ્વીટી પટેલ પાંચમી જૂનથી ગુમ થઈ ગયા છે. પાંચમી જૂનના રોજ રાત્રે 1 વાગ્યાથી સવારે આઠ વાગ્યા દરમિયાન સ્વીટી પટેલ ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સ્વીટી પટેલ વડોદરા જિલ્લામાં સ્પેશિયલ ઑપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અજય દેસાઇના પત્ની છે. હાલ આ મામલે પોલીસ વિવિધ ટીમો બનાવી સ્વીટી પટેલની શોધખોળ કરી રહી છે. સ્વીટી પટેલને શોધવા માટે પોલીસ રેલવે ડિપાર્ટમેન્ટની પણ મદદ લીધી છે. આ દરમિયાન દેશના વિવિધ શહેરોમાં સ્વીટી પટેલ દેખાઈ હોવાના દાવા કરવામાં આવ્યા છે. જોકે, તમામ દાવાઓ ખોટો નીકળ્યા છે. પોલીસ તરફથી રાજ્યના વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલી બિનવારસી લાશોની વિગતો પણ મેળવવામાં આવી છે.
બે વર્ષના બાળકને છોડીને ગુમ: સ્વીટી પટેલ કરજણમાંથી રહસ્યમય સંજોગોમાં એક મહિના પહેલાથી ગુમ થઇ ગયા છે. 37 વર્ષનાં સ્વીટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં આવેલા તેમના ઘરેથી જ ગુમ થયા છે. આ અંગે સ્વીટીબેનનાં ભાઇની ફરિયાદ બાદ પોલીસ શોધખોળ શરૂ કરી છે. સ્વીટી પટેલ અને અજય દેસાઈને એક બે વર્ષનું બાળક પણ છે. સ્વીટી પટેલ પોતાનો મોબાઇલ ફોન પણ ઘરે મૂકીને ગુમ થયા છે.
ભાઈએ ફરિયાદ નોંધાવી; આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાંનાં જયદીપ મહેન્દ્રભાઇ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મારી બહેન સ્વીટી કરજણ નવા બજાર વિસ્તારમાં ભક્તિનગર ત્રણ રસ્તા પાસે પ્રયોશા સોસાયટીમાં રહે છે. તેઓ તા.6 જૂનના રોજ રાત્રે એક વાગ્યાથી સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં પોતાનો ફોન અને બે વર્ષના પુત્ર અંશને મૂકીને કોઇને કહ્યા વગર જતા રહ્યા છે.
દીકરાએ માતાને શોધવા શરૂ કર્યું કેમ્પેઇન : સ્વીટી પટેલનાં પૂર્વ પતિથી તેમને એક 17 વર્ષનો દીકરો રિધમ પંડ્યા (Ridham Pandya) છે, તેવી બાબત પણ સપાટી પર આવી છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા રિધમે પોતાની મમ્મી ગુમ થતાં સોશિયલ મીડિયામાં એક કેમ્પેઇન પણ શરૂ કર્યું છે. રિધમે લખ્યું છે કે, 'મારી મમ્મી મને અને નાના ભાઇને છોડીને ક્યાંય ન જાય. મને ડર છે કે, મારી મમ્મી સાથે કદાચ કંઇક ખોટું તો નહીં થયું હોય ને. પ્લીઝ હેલ્પ.'