Nidhi Dave, Vadodara: ચૈત્ર નવરાત્રીના પર્વમાં માઈ ભક્તો ઉપવાસ, પૂજા અર્ચના તેમજ દાન - પુણ્ય કરી મા આદ્ય શક્તિની આરાધના કરતાં હોય છે. ત્યારે શહેરના રંગોળી આર્ટિસ્ટે પોતાની કલા થકી અનોખી માઇ ભક્તિ કરી છે. વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે પરંતુ સાથે કલા નગરી પણ કહેવાય છે. તેથી અહીંના કલાકારો પોતાની ભક્તિ પોતાની કલા થકી પ્રદર્શિત કરતા હોય છે.
આર્ટિસ્ટ કમલેશ વ્યાસે જણાવ્યું હતું કે, હું એમ તો હું નોકરી કરું છું, પરંતુ મારી કલા મારા માટે સર્વસ્વ છે. હું કલા થકી જ મારી ભક્તિ દર્શાવું છું. નવરાત્રીના નવ દિવસ દરમિયાન - મા આદ્યશક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે. મેં આ વર્ષે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસથી માતાજીના વિવિધ સ્વરુપોના પેઈન્ટિંગ્સ બનાવ્યાં છે.