વડોદરા: શિષ્યા દિશાએ જ દુષ્કર્મ પીડિતાને તાંત્રિકા પ્રશાંતના રૂમમાં મોકલતી હતી
કિશોરીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેણી વેકેશનમાં આશ્રમમાં રહેવા માટે આવી ગઈ હતી. આશ્રમમાં સેવા કરતી વખતે પ્રશાંતે તેણીને તારા ફિગર બહુ ગમે છે, તું ખૂબ સારી છે તેમ કહેતો હતો.


વડોદરા: વડોદરાના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયે (Prashant Upadhyay) એક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હોવા મામલે દરરોજ અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે પોલીસે પ્રશાંતની શિષ્યા (Prashant Upadhyay Disciple Disha)ની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન શિષ્યા દિશા ઉર્ફે જોન સચદેવે એવી કબૂલાત કરી છે કે તેણે પીડિતાને પ્રશાંત ઉપાધ્યાયના રૂમમાં મોકલતી હતી. ધરપકડ બાદ પોલીસે (Gotri Police Station) દિશાનો મોબાઇલ ફોન પણ કબજે લીધો છે. હવે આ મામલે દુષ્કર્મના આરોપી પ્રશાંત ઉપાધ્યાયની જેલમાંથી ટ્રાન્સફર વૉરંટના આધારે ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ દિશાના કસ્ટડી રિમાન્ડ પૂરા થતાં તેણીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રશાંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. જે સમયે દુષ્કર્મ થયું હતું ત્યારે પીડિતા સગીર વયની હોવાથી પોલીસે પોક્સોની કલમ પણ લગાવી છે.


પ્રશાંતે કિશોરી પર 12 વખત દુષ્કર્મ આચર્યું: બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે એક કિશોરી પર પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ કેસમાં પાખંડી પ્રશાંતની સેવિકા દિશાએ અનેક ખુલાસા કર્યાં છે. દિશાએ કબૂલાત કરી છે કે તેણી જ પીડિતાને પ્રશાંતના રૂમમાં મોકલતી હતી. એટલું જ નહીં જ્યારે પીડિતાનુ શોષણ થતું હતું ત્યારે તેણી ચૂપ રહેતી હતી. એવી પણ માહિતી મળી છે કે દિશા તાંત્રિક પ્રશાંતથી એટલી પ્રભાવિત હતી કે, પ્રશાંત તેનું શારીરિક શોષણ કરતો હતો તો પણ તે કંઈ બોલતી ન હતી. એટલું જ નહીં, તેણી છેલ્લા 12 વર્ષથી પ્રશાંત સાથે રહેતી હતી. દિશા પ્રશાંત કહે તેમ કરતી હતી, ક્યારેય કોઈ સવાલ પણ કરતી ન હતી.


કેવી રીતે સંપર્ક થયો?: દિશા 2008ના વર્ષમાં પ્રશાંતના સંપર્કમાં આવી હતી. દિશા મુંબઈથી માતા સાથે વડોદરા આવી હતી અને તાંત્રિકના સંપર્કમાં આવી હતી. દિશા ખૂબ જ સારું અંગ્રેજી બોલતી હોવાનું પોલીસનું કહેવું છે. ખૂબ જ ટૂંકા ગાળામાં દિશા પ્રશાંતની ખાસ બની ગઈ હતી અને તે કહે તેમ જ કરતી હતી. 2008થી એટલે કે સતત 12 વર્ષથી સપર્કમાં હોવાથી દિશા પ્રશાંતના અનેક રહસ્ય જાણતી હોવાનું પોલીસનું માનવું છે. એવી પણ માહિતી મળી છે કે પ્રશાંતના તમામ કામ દિશા જ કરતી હતી. પ્રશાંતને તેમની બધી શિષ્યામાંથી સૌથી વધારે વિશ્વાસ દિશા પર જ હતો. એટેલે સુધી કે તિજોરીની ચાવી પણ દિશા પાસે રહેતી હતી. પ્રશાંતના કહેવા પર દિશા જ પૈસા કાઢીને આપતી હતી. પ્રશાંતના મોબાઇલ સહિતની વસ્તુઓ પણ દિશા પાસે રહેતી હતી. બીજી તરફ પોલીસે વાઘોડિયા ડભાઈ રોડ આવેલા દિશાના ફ્લેટમાં બુધવારે તપાસ કરી હતી. જોકે, અહીંથી કોઈ વસ્તુ મળી આવી ન હતી.


કિશોરી પર 12 વખત દુષ્કર્મ: પાખંડી પ્રશાંતે પોતાના દયાનંદ પાર્ક ખાતેના આશ્રમમાં રહીને સેવા કરતા કિશોરી પર 2013થી 2017ના વર્ષ દરમિયાન 12 વખત દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કિશોરીએ કર્યો છે. આ ઉપરાંત પ્રશાંતે તેણીનો વીડિયો ઉતાર્યો હોવાનો દાવો પણ કિશોરીએ કર્યો છે. પીડિતાનો આક્ષેપ છે કે દિશા આ તમામ વાતોથી વાકેફ હતી. દિશા ઉપરાંત અન્ય શિષ્યા દીક્ષા અને ઉન્નતી જોશી પણ આ વિશે જાણતી હોવાનો કિશોરીનો દાવો છે.


દિશાનું પણ શારીરિક શોષણ થયું: ધરપકડ બાદ દિશાએ દાવો કર્યો છે કે તેણી પ્રશાંતના પ્રભાવમાં આવી ગઈ હતી અને તે કહે તેમ કરતી હતી. આ ઉપરાંત પ્રશાંતે તેનું પણ શારીરિક શોષણ કર્યું હોવાનો દાવો દિશાએ કર્યો છે. દિશાએ દાવો કર્યો છે કે તે પ્રશાંતના સત્સંગના વીડિયોનું એડિટિંગ કામ કરતી હતી અને આ માટે તેણીને આઠ હજાર રૂપિયા પગાર મળતો હતો.


મહિલાઓના વિડિયો બાબતે દિશાની પૂછપરછ થશે: પ્રશાંતે પોતાનો વીડિયો ઉતાર્યાનો કિશોરીએ દાવો કર્યો બાદ પ્રશાંતે કેટલી મહિલાઓને દુષ્કર્મનો શિકાર બનાવી હતી તેમજ કેટલી મહિલાઓના અંગત વીડિયો ઉતાર્યા હતા તે મામલે પોલીસ દિશાની પૂછપરછ કરશે. દિશા પડછાયાની જેમ પ્રશાંતની સાથે રહેતી હોવાથી પોલીસનું માનવું છે કે તેણી આ તમામ વિગતોથી વાકેફ હોવી જોઈએ.


તારા શરીરમાં દૈવી શક્તિનું સ્થાપન કરવાનું છે: કિશોરીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેણી વેકેશનમાં આશ્રમમાં રહેવા માટે આવી ગઈ હતી. આશ્રમમાં સેવા કરતી વખતે પ્રશાંતે તેણીને તારા ફિગર બહુ ગમે છે, તું ખૂબ સારી છે તેમ કહેતો હતો. જે બાદમાં બીજા દિવસે શિષ્યા દિશા, દીક્ષા અને ઉન્નતિએ ગુરુજી પાસે મોકલી હતી. આ દરમિયાન પ્રશાંતે શરીરમાં દૈવી શક્તિનું સ્થાપન કરવાનું કહીને સ્નાન કરવા માટે મોકલી હતી. સ્નાન કરતી વખતે પ્રશાંત પણ બાથરૂમમાં આવી ગયો હતો અને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન વીડિયો પણ ઉતારી લીધો હતો.


વીડિયો વાયરલ કરવાની ધમકી: પ્રશાંત કિશોરીને કોઈ ગોળી ગળાવીને દુષ્કર્મ આચરતો હતો. જે બાદમાં આ અંગેનો વીડિયો ઉતારીને તે વાયરલ કરવાની ધમકી આપતો હતો. જે બાદમાં કિશોરી અને તેના પરિવારે સમાજમાં બદનામી થશે તેવા ડરથી પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. જોકે, તાજેતરમાં પ્રશાંત સામે અન્ય એક મહિલાએ ફરિયાદ નોંધાવતા કિશોરીની હિંમત વધી હતી અને ફરિયાદ આપી હતી.