વડોદરા : શહેરમાં વરસાદે વિરામ લેતા વડોદરાાસીઓને હાશકારો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં આંશિક ઘટાડો થયો છે. 23 ફૂટે વિશ્વામિત્ર નદીની સપાટી સ્થિર થઇ છે. જ્યારે આજવા સરોવરની જળસપાટી પણ 211.90 ફૂટે સ્થિર થઇ છે. હાલ આજવા સરોવરનાં 62 દરવાડા 212 ફૂટે ખોલવા આવ્યાં છે. હાલ વડોદરામાં પૂરનું સંકડ ટળ્યું છે પરંતુ જો આવતા 24 કલામાં ફરી ઉપરવાસમાં વરસાદ પડે અને આજવા સરોવરની જળ સપાટી વધે તો ફરીથી વડોદરામાં સંકટ વધી શકે છે.
વડોદરામાં આજે નવલખી વિસ્તાર પાસે એક બાકડા નીચે મગરનું બચ્ચુ પણ દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શનિવારે વિશ્વામિત્રી નદીની સપાટી વધવાથી વડોદરા શહેર પર પૂરના સંકટને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા સુભાષનગરમાં પૂરના પાણી ઘૂસ્યા હતા. પરંતુ સારી વાત એ હતી કે, સુભાષનગરના લોકોનું શુક્રવારે જ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બે દિવસ વડોદરા માટે ભારે રહ્યા હતા. તો આજે વરસાદે વિરામ લેતા પૂરનું સંકટ ટળ્યુ છે.
વડોદરા પર પૂરના સંકટને પગલે શુક્રવારે રાત્રે 400 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાંથી 247 લોકો, કારેલીબાગ વિસ્તારના જલારામનગર ખાતેથી પણ 20 લોકો, હેમંતપુરામાંથી 13 લોકો અને ઉંડેરામાંથી 25 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જળ સપાટી વધતા તંત્ર એલર્ટ થઇ ગયુ હતું. જો જળ સપાટી વધત તો વધારે લોકોના સ્થળાંતરની તૈયારી કરી લેવામાં આવી હતી.
મહત્વનું છે કે, વડોદરા શહેરમાં ગત વર્ષે 31 જુલાઇ-2020ના રોજ એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ વરસતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. આખુ વડોદરા પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. આ વર્ષે ફરી વડોદરા અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમમાં નવા નીરની આવક થતાં તંત્ર અને શહેરવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.