

અંકિત ઘોનસીકર, વડોદરા : હવે વિદેશની જેમ શહેરમાં પણ વિકેન્ડ એટલેકે અઠવાડિયાને અંતિમ દિવસોમાં પાર્ટી કરવાનું ચલણ વધી રહ્યું છે. રાજ્યમાં દારૂબંધી (Liquor Ban) હોવા છત્તા યુવાનો દ્વારા પાર્ટીમાં દારૂ રેલાવવામાં આવ્યાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. શનિવારે રાત્રે શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારમાં (vadodara) આવેલા ગ્રીનવુડ બંગ્લોઝ (Greenwood Bunglow) ખાતે ચાલતી પાર્ટીમાં (Liquor Party) પોલીસ મહેમાન બનીને પહોંચી હતી. અને 10 જેટલા યુવકે સહિત યુવતિઓ મળીને 23ની અટકાયત કરવામાં આવી હતી.


શનિવારે માલેતુજાર પરિવારોના યુવક-યુવતિઓની દારૂ પાર્ટીમાં પોલીસ મહેમાન બની હતી. શહેરના ગોત્રી સેવાસી રોડ પરના ગ્રીન વુડ્સ બંગ્લોઝમાં મકાન નં- 5માં શહેરના કેટલાક ખાનદાની નબિરાઓ અને યુવતિઓ મોંઘીદાટ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો લઇ મહેફીલ માણી રહ્યા હતા. દરમિયાન ગત મોડી રાત્રે પેટ્રોલીંગમાં ફરી રહેલી લક્ષ્મીપુરા પોલીસને આ અંગેની જાણ થતા મહિલા પોલીસને સાથે રાખી ગ્રીન વુડ્સ બંગ્લોઝના બંગલા નં- 5 માં દરોડો પાડવામાં આવ્યો હતો


જ્યાં પોલીસે દરવાજો ખોલતાની સાથે જ અંદર પાર્ટી કરી રહેલા જુવાનીયાઓ સ્તબ્ધ થઇ ગયા હતા. પોલીસે રૂમમાં પ્રવેશતા જ ફિલ્મી સીન નજરે પડ્યો હતો. રૂમમાં લાકડાના ટેબલ ફરતે સોફા અને ખુરશીઓ પર બેસીને જુવાનિયાઓ પાર્ટી કરી રહ્યા હતા ટેબલ પર વિદેશી બ્રાન્ડની મોંધી બ્રાન્ડની દારૂની બોટલો પડી હતી. બીજી તરફ પોલીસે બંગલામાં તપાસ કરતા બાથરૂમમાંથી વોડકાની ખાલી બોટલો મળી આવી હતી. મોડી રાત્રે પોલીસ દ્વારા ગ્રીનવુડ બંગ્લોઝમાં કરેલી કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.


જેમાં 1800 Anejo Tequila, Baileys Original Irish Cream, Absolut Vodka, cognac hennessy ની બોટલો તથા ઠંડા પીણા, જ્યુસ અને પાણીની બોટલો મળી આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પાર્ટી ચાલી રહી હતી.


ગ્રીન વુડ બંગ્લોઝમાં લક્ષ્મી પુરા પોલીસે પાડેલા દરોડામાં 13 યુવતિઓ સહિત 23 ની અટકાયત કરવામાં આવી હતી. જેમાં 10 યુવકો નશામાં ચુર હોવાનું જણાતા પોલીસે તેમની સામે પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો હતો. તેમજ મોંઘીદાટ ગાડીઓ મળીને રૂ. 27 લાખો મુદ્દામાલ કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દારૂની પાર્ટીમાં કોની સામે પોલીસ ફરિયાદ થઇ


બી ડીવીઝનના એસીપી બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, 13 યુવતિઓ સહિત 23 લોકો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. જે પૈકી 10 યુવકોએ દારૂનું સેવન કર્યું હોવાથી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 13 યુવતિઓના બ્લડ સેમ્પલ લઇ તપાસઅર્થે મોકલવામાં આવ્યા છે. જો તેમાં યુવતિઓએ પણ આલ્કોહોલનું સેવન કર્યા અંગેનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.