

જિલ્લા કલેક્ટર શાલિાની અગ્રવાલે તાજેતરની અતિવૃષ્ટિ અને પૂરના સંદર્ભના વીમા કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. કલેક્ટરે તમામ કંપનીઓને આદેશ કર્યો છે કે, પૂરના પાણીથી થયેલા નુકશાનના ક્લેમ્સની ઝડપથી પતાવટ માટે વીમા કંપનીઓ સમયબદ્ધ આયોજન ઘડી કાઢે અને શીઘ્ર અમલ કરે.


પ્રાપ્ત માહિતી અનુસાર, આજે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે અગ્રણી વીમા કંપનીઓના પ્રબંધકો સાથે બેઠક યોજીને તાજેતરના ભારે વરસાદ/ પૂરથી જેમની સ્થાવર જંગમ મિલકતોને નુકશાન થયું છે. એવા વીમાદારોના દાવાઓની પતાવટ-સેટલમેન્ટ માટે સમબયદ્ધ કાર્યક્રમ ઘડી કાઢીને, તેની કાર્યવાહી તાત્કાલીક શરૂ કરી દેવા સૂચના આપી હતી. આ બેઠકમાં ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ સહિત વિવિધ જનરલ વીમા કંપનીના પ્રબંધકો ઉપસ્થિત રહ્યા હતા. લીડ બેંકના મેનેજર કુંદનલાલે બેઠકનુ સંકલન કર્યું હતુ.


કલેક્ટર અને કાર્યકારી મ્યુનિસિપલ કમિશનરે શાલિની અગ્રવાલે વીમા કંપનીઓની સરળતા માટે મહાનગરપાલિકા એક મહિના માટે એક પ્લોટ ફાળવી આપવાનુ જણાવ્યુ હતું. જેથી વીમાધારકોએ ક્લેમ્સ કરેલા વાહનો વીમા કંપનીઓ ત્યાં લાવી શકે, અને તેની જરૂરી ચકાસણી કરીને વીમો ત્વરાથી મંજૂર કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે. ઉપરાંત વીમાધારકો વીમો ઝડપથી મંજૂર થાય તે બેંક અને વીમા કંપનીઓ સંકલન સાધી શકે તે માટે બેંકોના પ્રબંધકો અને વીમા કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવશે. મહત્વનુ છે કે, રાજ્ય સરકાર પણ વીમાધારકોના વીમા ઝડપથી મંજૂર થાય તે માટે પ્રયાસરત છે.