જેમને પ્રકૃતિ પ્રત્યે અતિ પ્રેમ હોય અને પક્ષીઓ જોવા ગમતા હોય તો આ વઢવાણા જવાનો ઉત્તમ સમય છે. વડોદરાથી માત્ર દોઢેક કલાક ટ્રાવેલ કરીને ડભોઈ તાલુકાના વઢવાણા પક્ષી અભિયારણ પહોંચી શકો છો. 630 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવમાં હજારો કિલોમીટર દૂરથી વિદેશી પક્ષીઓ પહોંચે છે. આ અભ્યારણમાં 135થી વધુ જાતિના વિવિધ પક્ષીઓની અલગ દુનિયામાં 35થી વધારે જાતિના વિદેશી એટલે કે યાયાવર પક્ષીઓનો સમાવેશ થાય છે. આ અદભૂત તસવીરો તમને પણ વઢવાણા જવા માટે આકર્ષિત કરશે. એક અંદાજ પ્રમાણે માત્ર ડિસેમ્બરમાં જ અહીં 60 હજારથી વધારે પક્ષીઓએ સમય વિતાવ્યો છે.
સ્થાનિક પક્ષીઓ માટે આ રહેણાંક સ્થાન જેવું જ છે, પરંતુ જો તમારે વિદેશી પક્ષીઓને જોવા હોય તો આ ઉત્તમ સમય છે. કારણ કે, શિયાળામાં એટલે કે નવેમ્બરથી માંડીને ફેબ્રુઆરી કે માર્ચ સુધી અહીં યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓનો મેળાવડો જામે છે. પક્ષીઓની બહુ બધી જાતિઓમાં અહીં શિયાળો વિતાવવા આવે છે. અહીં તમને બતક, હંસ, બગલા સહિતના વિવિધ પ્રજાતિના પક્ષી જોવા મળશે. જેમાં લાલ આંખ કારચિયા, સફેદ સુરખાબ, નાનો કલકલિયો, મોટો હંજ, નાની ડૂબકી, લુહાર સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે. હિમાલયનાં માનસરોવરથી રાજહંસોનું ટોળું, હિમાલયનાં સો-મોરીરીથી ભગવી સુરખાબ, આફ્રિકા અને સિંધ પ્રાંતમાંથી હંસોનું ટોળું, મધ્ય એશિયાનાં વિસ્તારોમાંથી ગુલાબી પેણ, સિંધ પ્રાંતમાંથી શિકારી પક્ષીઓ પણ અહીં આવી પહોંચે છે.
અહીં પહોંચો તો, પહેલા તો અત્યાધુનિક ભૌતિક સુવિધા અને ગેસ્ટ હાઉસથી સજ્જ એવા વન વિભાગનો બાંધકામવાળો વિસ્તાર આવે છે. સાથે જ અહીં તમને વન વિભાગનો સ્ટાફ પણ મળે છે, જે તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવા અને મદદ માટે સદૈવ તત્પર હોય છે. ત્યાં વાહન પાર્ક કર્યા બાદ, શરૂ થાય છે તમારી રોમાંચક પક્ષી દર્શન યાત્રા.
રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, બાર હેડેડ ગીઝ, હેરિયર્સ, હવામાં કરતબો કરતું બ્લુ ટેઇલ્ડ બી ઇટર, પાણીમાં શિકાર કરતી લિટલ ગ્રેબ, તળાવ વચ્ચે લાકડાં પર બેસેલું સ્નેકબર્ડ ડાર્ટર, બોઇંગ વિમાનની જેમ પાણી પર ઉતરાણ કરતાં પેલિકન્સ, પાણીમાં ચાંચ ડૂબાડીને કોઈ તરતી સ્ટીમર માફક ટોળામાં ખોરાક શોધતા ફ્લેમિન્ગોઝ, ઊંચે આકાશમાંથી પાણીમાં છલાંગ લગાવીને એક જ ઝાટકે માછલી પકડીને ઊડતું ઓસ્પ્રે, સફેદ રૂ જેવું મુલાયમ કોટન પીગ્મી ગૂઝ, ઊડતાંવેંત જ સિસોટી મારતું લેસર વ્હીસલિંગ ડક વગેરે જેવાં વિવિધતમ સુંદર પક્ષીઓ જોવાથી તમારું મન જ નહીં ભરાય. અહીં ત્રણ વોચ ટાવર પણ છે, જેના પરથી પાણીમાં દૂર સુધી મહાલતાં પક્ષીઓની કરતબને શાંતિથી નિહાળી શકાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પના મુજબ અમૃત સરોવર બનાવાયેલા આ તળાવમાં વિવિધ પક્ષીઓનો મધુર કલરવ માણવા મળશે, જે તમને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકશે. અહીં વિવિધ પક્ષીઓ બ્રીડિંગ માટે પ્રયત્નો કરતા દેખાશે, તો વળી કેટલાક પક્ષીઓ પોતાના બચ્ચાંઓને સંઘર્ષનાં વિવિધ પાઠ ભણાવતા જોવા મળશે. પ્રકૃતિએ ખુલ્લાં મૂકેલા આ ખજાનાને નિહાળીને તમારી જિજ્ઞાસા અને કુદરત તરફની સમીપતા વચ્ચેનું અંતર ચોક્કસથી ઘટી જશે. અહીં આવતા વિદેશી મહેમાનોથી માહિતગાર થવાની સાથે વન્યસૃષ્ટિ અને પ્રકૃતિ પ્રત્યે સંવેદના આપોઆપ જાગી જશે.