Nidhi Dave, Vadodara: વડોદરામાંથી મોગલ શાસનનો અંત આવ્યા પછી આવ્યા ગાયકવાડો. ગાયકવાડો શિવભક્ત અને ગણપતિ પૂજક હોવાના ઇતિહાસમાં પ્રમાણ મળે છે. વળી ગાયકવાડ રાજવીઓએ માતાજીની આરાધના કરી હોય અને માતાજીના પૂજનની કુળ પરંપરા હોય તેનો પણ ઉલ્લેખ ઇતિહાસના પુસ્તકોમાંથી મળે છે,પણ કોઇએ સૂર્યપૂજા કરી હોય તેનો ઉલ્લેખ કયાંય જોયો જાણ્યો નથી.
આથી જ વડોદરાની મધ્યમાં રાવપુરા વિસ્તારમાં આવેલું સૂર્ય મંદિર આશ્ચર્ય ઉપજાવે છે. ભૂતકાળમાં કયારેક ગુજરાતમાં સૂર્ય પૂજનનો મહિમા હશે અને ત્યારે બંધાયેલા સૂર્યનારાયણના મંદિરો તો ભગ્નાવશેષો બની ચુકયા છે. રાજપૂત, મુસ્લિમ અને મરાઠી શાસનના દોરમાંથી ગુજરી ચુકેલા વડોદરામાં સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હશે તેનો ઇતિહાસ ખરેખર રસપ્રદ છે.
વડોદરામાં સૂર્ય મંદિર મરાઠી ગાયકવાડી શાસન કાળમાં બંધાયુ છે અને આ મંદિરની બાંધણી પાછળ એક નક્કર વાસ્તવિકતા ધરબાયેલી પડી છે. એમ કહેવાય છે કે, આ સૂર્ય મંદિર વડોદરાના દિવાન રાવજી આપાજીએ પોતાની એક ઉપપત્ની માટે બંધાવ્યુ હતું. આ વાતને 200 વર્ષના વ્હાણાં વાઇ ગયા. વડોદરાના દિવાનપદે રાવજી આપાજીનો અમલ 1793 થી 1802ની સાલ સુધી રહ્યો એનો મતલબ એ જ થાય કે વડોદરામાં આજ ગાળામાં સૂર્ય મંદિર બંધાયુ હશે.
એ વખતે હાલમાં રાવપુરા તરીકે જે વિસ્તાર ઓળખાય છે તે પહેલા સદાશિ પેઠ તરીકે ઓળખાતો અને રાવજી આપાજી સત્તા પર આવતા જ આ વિસ્તારનું નામ રાવપુરા પડી ગયું. રાવજી આપાજી એક વખત કાશી બનારસની યાત્રાએ ગયા હતા.ગંગાજીના કિનારે મણિકર્ણિકાના ઘાટ પર રાવજી આપાજીની આંખ એક પંડિત પિતાની બ્રાહ્મણ પુત્રી પર મોહી ગઇ. યુવાન અને સત્તાના તેજથી ભરપૂર રાવજી અને આ પંડિત પુત્રી પરસ્પર ખેંચાયા અને પછી કાશીની એ યુવતી રાવજી આપાજીના અંતઃપુરમાં દાખલ થઇ ગઇ.
આ સમય એવો હતો કે જયારે પત્નીઓ અને ઉપપત્નીઓથી ભરપૂર અંતઃપૂર વ્યકિતનો મોભો વધારતું. પુરૂષો એક થી વધુ પત્નીઓ અને તેનાથી બમણી સંખ્યામાં ઉપપત્નીઓ રાખવામાં પોતાની મર્દાનગી સમજતા, સમાજમાં પણ આ હકીકત સર્વસ્વીકૃત હતી અને તેમાં કોઇના પર આંગળી ચિંધાતી નહતી.આ કાશીથી છેક વડોદરા સુધી છેક રાવજીની પાછળ ચાલી આવેલી આ સ્ત્રીનું નામ તો જાણવા મળતું નથી. દિવાન રાવજી આપાજીના વાડાના એક વિભાગમાં આ મહિલાને નિવાસ સ્થાન મળ્યુ હતું. બીજી તરફ કાશીની યાત્રાએથી પાછા ફર્યા બાદ થોડો સમય આ માનીતી સ્ત્રી સાથે ગુજાર્યા બાદ રાવજી આપાજી તો ફરી રાજકાજના કામમાં ખૂંપી ગયા.
રાવજી આપાજી પાસે તો ઘણા કામ હતા અને આ કામકાજમાંથી તેમની પાસે કાશીની પંડિતપુત્રી માટે કેટલો હોય .. ? રાવજીના વિરહમાં આ જ્ઞાની પંડિતની પુત્રીને ધીમે ધીમે સંસારમાંથી વિરકતી આવવા માંડી. તેને હવે નાણાં, સોનું, ચાંદીના દાગીના અને જ૨- જમીનનો મોહ રહ્યો ન હતો. એક દિવસ એણે રાવજી આપાજી પાસે માંગણી કરી, "રાવ સાહેબ, મારી એક વિનંતી છે, મારે એક મંદિર બંધાવવું છે."
રાવજી કહે, "ઓ હો ! એમાં શું હાલ બંધાવી દઇએ. બોલો કયા દેવનું મંદિર બંધાવવું છે??? "સૂર્યનારાયણનું.!! ?" રાવજી આપાજી આશ્ચર્યથી પોતાની પ્રેયસી તરફ જોઇ રહ્યા. તેમને નવાઇ લાગી કે શિવનું, રામજીનું, શકિતનું કે પછી ગણપતિનું મંદિર લોકો બંધાવે છે પણ સૂર્યનારાયણનું મંદિર તો સાવ નવી જ વાત કહેવાય. આ વિમાસણ સમજી ચુકેલી પંડિત પુત્રીએ રાવજીને કહ્યું - ખાવુ, પીવું, ઓઢવું; સુખ સાહ્યબી ભોગવવા એ જ કાંઇ જીવન નથી.
સ્ત્રીને ઇચ્છા હોય છે, પોતાના પુરૂષના સાથ- સંગાથની. તમે રાજયપુરૂષ તમારી પાસે સમય હોય નહીં. આથી મને યાદ આવે છે મહાભારતની પાંડવોની માતા કુંતી. તેણે સૂર્યની આરાધના કરી તેને સૂર્ય મળ્યો પણ ખરો, પણ તોયે દૂરનો દૂર જ રહ્યો. આથી મારી દ્રષ્ટિએ તમે મારા સૂર્ય છો. દૂરના દૂર અને પાસેના પાસે. આથી હું સૂર્યની આરાધનાના સ્વરૂપે તમારી આરાધના કરીશ.
રાવજી આપાજી પ્રિય પાત્રની વાતમાં ઝૂકી ગયા અને વાડાના પટાંગણમાં જ સૂર્ય મંદિર બંધાવવાનો આદેશ આપ્યો. દિવાન રાવજીનો આદેશ માથે ચઢાવીને દિવસ- રાત કામ ચલાવીને રાવજીના વાડામાં સૂર્યનારાયણનું મંદિર બંધાવવામાં જ આવ્યું. શિલ્પીએ સૂર્યનારાયણની સુંદર પ્રતિમા પણ બનાવી દીધી. આખરી નજર મારવા માટે રાવજી અને પંડિતપુત્રી વાડામાંથી નીચે ઉતર્યા. રાવજીએ ગર્વથી પંડિત પુત્રીને કહ્યું, બોલ તારી ઇચ્છા મુજબનું સૂર્ય મંદિર તૈયાર થઇ ગયું ને ?
પંડિતપુત્રીએ ચીસ પાડીને કહ્યું, નહિં.. નહિં.. આ મંદિરમાં સૂર્યનારાયણની પ્રાણ પ્રતિષ્ઠા નહીં થઇ શકે. રાવજી કહે, ‘\"લે, તું તો ખરી છે!!! તારી ઇચ્છા પ્રમાણે જ સૂર્ય મંદિર બંધાવ્યું. હવે તેની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ પણ નજીક આવી પહોંચ્યો ત્યારે તું મને કહે છે કે આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નહિં થાય, કેમ ?? કારણ શું છે ??" આ મંદિરમાં સૂર્ય પ્રતિમા પધરાવશો તો નગરનો નાશ થશે. સૂર્ય હંમેશા પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. સૂર્યની દિશાથી વિરૂદ્ધ પૂર્વમાં જ આ પ્રતિમાનું મોંઢુ રહેશે અને સૂર્ય દેવની નજર નગર પર પડશે જે કોઇ રીતે હિતકારી નથી. તમે જયાં જયાં સૂર્ય મંદિરો બંધાવ્યા તેનો ઇતિહાસ જોઇ જાવ, ખબર પડી જશે.
રાવજીની વિમાસણમાં વધારો થયો, તો હવે આનો ઉપાય શું ? મંદિર તૈયાર થઇ ચૂક્યું છે, પ્રતિમા પણ તૈયાર છે. હવે માત્ર પ્રાણ પ્રતિષ્ઠા જ બાકી છે. આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાતભરમાંથી પંડિતો અને વિદ્વાનોને બોલાવવામાં આવ્યા. પંડિતોએ પણ આ વાતની પુષ્ટિ કરી કે જો સૂર્યની દ્રષ્ટિ નગર પર પડે તો નગરનો નાશ થાય. પણ આનો ઉપાય શું .. ? ત્યાં એક વૃદ્ધ પંડિતે ઉપાય બતાવ્યો કે જો સૂર્ય મંદિરના પટાંગણમાં ઇન્દ્રનું વાહન હાથી મુકવામાં આવે તો દોષનું નિવારણ થાય.
દિવાન રાવજી આપાજી સમક્ષ આ વાત મુકવામાં આવી. સૂર્યની દ્રષ્ટિ ટાળવા હાથીની પ્રતિમા મુકવી જરૂરી છે એ વાત સમજીતાં જ રાવજીએ દરબારીઓની સલાહ લીધી. એક દરબારીએ ઉપાય સુચવ્યો, ચિંતા શા માટે કરો છો દિવાન સાહેબ. આપણા શહેરની નજીક અણુસ્તુપ ટેકરી ઉપર ખંડેર બનેલો સ્તૂપ છે. આ સ્તૂપના આંગણમાં વિશાળ હાથીની પ્રતિમા એમ જ પડી રહી છે. એ પ્રતિમાને અહીં લાવીને મુકાવી દઇએ તો કેવું?? સદીઓ પૂર્વે સ્થપાયેલા અણુંસ્તુપ ટેકરી પર ખુલ્લામાં ઉભેલી હાથીની પ્રતિમા તાબડતોબ નીચે ઉતારી સૂર્ય મંદિરના આંગણામાં સ્થાપી દેવાઇ.
બસ, હવે દોષનું નિવારણ થઇ ચુકયું હોવાથી સૂર્ય મંદિરમાં સૂર્યની પ્રતિમાની વિધિવત્ સ્થાપના કરવામાં આવી. હાથીની પ્રતિમાના પણ પૂજન થયા અને ત્યારથી આજદિન સુધી નગરની શોભાને વધારતું સૂર્ય મંદિર જેમનું તેમ ઉભું છે. આ વાતને 200 વર્ષ વિતી ગયા. રાવજી આપાજી નથી રહ્યા કે નથી રહ્યું તેમનું પ્રિયપાત્ર પણ સૂર્ય મંદિર અડીખમ ઉભું છે. આ મંદિરના પટાંગણમાં ઇન્દ્રનો ઐરાવત હાથી પણ ઉભો છે.