ફરિદ ખાન, વડોદરા : વડોદરા ખાતે અજીબ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પરિવારના મોભીનું કુદરતી મોત નિપજયુ હતું પરંતુ અંતિમ સંસ્કાર માટે કોઈ નજીકનું પરિજન હાજર ન હતું. પરિજનોની ઈચ્છા હતી કે પત્ની અને પુત્ર પરિવારના મોભી ના અંતિમ સંસ્કારમાં હાજરી આપી વિધિ પૂર્ણ કરે પરંતુ એ શક્ય ન હતું. મૃતકનો પુત્ર અને પત્ની પાક્કા કામના કેદી તરીકે જેલમાં સજા કાપી રહ્યા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, વઢવાણ ગામના ૪૫ વર્ષના રવજીભાઈ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, તેમની સારવાર ચાલતી હતી અને સારવાર દરમ્યાન રવજીભાઈનું મોત નીપજ્યું રવજીભાઈના પત્ની લીલા બેન અને પુત્ર સુખદેવ રાઠોડ બળાત્કારના ગુનામાં દોષિત થતા વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે. પરિજનો સહિત સમાજના સભ્યો મક્કમ હતા કે ધાર્મિક વિધિમાં તો પત્ની અને પુત્રની હાજરી અનિવાર્ય છે. જેથી રવજીભાઈના પરિજનોએ સુખદેવ અને પત્નીને જેલની બહાર કાઢવા જમીન માંગ્યા પરંતુ ટેક્નિકલી કોર્ટની કાર્યવાહી અધૂરી રહેતા મૃતક રવજી ભાઈના પત્ની લીલાબેન અને પુત્ર સુખદેવને જામીન ન મળ્યા અને મૃતક રવજીભાઈની ધાર્મિક વિધિ અટકી પડી.
આ બાજુ જેલમાંથી ધાર્મિકવિધિ માટે જામીનની પ્રક્રિયા પૂર્ણ ન થતા પરિજનો હતાશ થઇ ગયા, અને પરિજનોએ નક્કી કર્યું કે, મૃતક રવજીભાઈની ધાર્મિક વિધિ તો પુત્ર અને પત્ની જ કરે અને પરિજનો મૃતક રવજીભાઈનો મૃતદેહ લઇને પહોંચી ગયા સેન્ટ્રલ જેલના પરિસરમાં અને જીદ્દ કરી કે, મૃતક રવજીભાઈના પુત્ર અને પત્નીને જમીન પર જેલમાંથી છોડવામાં આવે પરંતુ એ શક્ય ન હતું.