વડોદરા: રાજ્યના વિવિધ શહેરો અને ખાસ કરીને સુરતમાં તાજેતરમાં કરવામાં આવેલા દરોડામાં સ્પા સેન્ટરોમાં કામ કરતી થાઇલેન્ડની યુવતીઓને ઝડપી પાડવામાં આવી હતી. આ યુવતીઓ વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં ભારતમાં ગેરકાયદે વસવાટ કરતી હોય છે. હવે વડોદરા શહેરમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. જોકે, અહીં યુવતી નહીં પરંતુ થાઇલેન્ડનો એક કિન્નર ઝડપાયો છે. કિન્નાર એક સ્પામાં કામ કરતો હતો. કિન્નર પાસે ભારતમાં રહેવા માટેના વિઝા ન હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે વધુ વિગત જોઈએ તો માનવ તસ્કરી રોકવા માટે કામ કરતી પોલીસને બાતમી મળી હતી કે વડોદાના અલકાપુરી વિસ્તારનાં કોન્કર્ડ કોમ્પલેક્ષનાં ત્રીજા માળે આવેલા 'સી સોલ્ટ' સ્પા એક કિન્નર કામ કરી રહ્યો છે. આ કિન્નર પાસે ભારતમાં કામ કરવાના વિઝા નથી. જે બાદમાં પોલીસ અહીં દરોડો કર્યો હતો. દરોડા દરમિયાન માલુમ પડ્યું હતું કે કિન્નર પાસે ભારતમાં કામ કરવાના વિઝા હતા પરંતુ તેન ત્રણ વર્ષ પહેલા જ પૂરા થઈ ગયા છે.
પોલીસ તપાસમાં ધરપકડ કરવામાં આવેલો કિન્નર થાઈલેન્ડનો હોવાનું સામે આવ્યું છે. તેમજ તેનું નામ વિઝેસ સીરીકન્યા હોવાનો ખુલાસો થયો છે. કિન્નર વડોદરા પહેલા ભોપાલમાં કામ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. સ્પામાંથી કિન્નર ઝડપાયા બાદ પોલીસ 'સી સોલ્ટ' સ્પા ખાતે મેનેજર તરીકે કામ કરતી મૂળ નેપાળની મહિલા ઓમી અગમબહાદુર સુબાની પણ ધરપકડ કરી છે. આ સાથે સ્પાના માલિક સમીર જોશીની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા પકડાવા બાદ તેની વિરુદ્ધ ધી ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે છે. છેલ્લા થોડા મહિનાઓમાં રાજ્યના વિવિધ શહેરોમાં સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલતી દેહવેપારની પ્રવૃત્તિ ચાલતી હોવાના કિસ્સા પણ ધ્યાનમાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં દરોડાં દરમિયાન જે તે સ્પા કે મસાજ પાર્લરમાંથી વિદેશી યુવતીઓ પણ દેહવેપાર કરતી હોવાનું ધ્યાને આવ્યું છે. જેમની તપાસ કરતા તેમાથી અનેક મહિલાઓ વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં અથવા વર્ક વિઝા ન હોવા છતાં કામ કરતી હોવાનું જણાયું હતું.