નીધિ દવે/વડોદરા: શહેર- જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ (Rain) થવાના કારણે કૃષિક્ષેત્રમાં (Agriculture) હવે મહેનતની મોસમ આવી છે. જિલ્લામાં હાલમાં વાવણી કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે. કુલ વાવેતર વિસ્તારના 17 ટકા જેટલા ક્ષેત્રમાં વાવણી થઈ ચૂકી છે. હજું પણ વાવણી કાર્ય ચાલી રહ્યું છે. સારો વરસાદ થવાની રાહ જોતા ખેડૂતો મેઘરાજાનાઆશીર્વાદ સાથે જમીનમાં વાવણિયા કરી રહ્યા છે.
વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ આંકડાઓને ધ્યાને રાખતા કુલ વાવેતર વિસ્તાર 2, 45, 978 સામે અત્યાર સુધીમાં 42, 627 હેક્ટર જમીનમાં વાવણી થઇ ચૂકી છે. તાલુકા પ્રમાણે જોઇએ તો કરણજણમાં સૌથી વધારે 29102, ડભોઇમાં 7588, ડેસરમાં 110, પાદરામાં 2008, સાવલીમાં 396, શિનોરમાં 581, વડોદરા તાલુકામાં 2544 અને વાઘોડિયા તાલુકામાં 298 હેક્ટર જમીનમાં ખરીફ પાકની વાવણી થઇ છે.
પાક પ્રમાણે જોઇએ તો ડાંગરની 61, તુવેરની 2407, સોયાબીનની 540, કપાસની 36325, ગુવારની 11, શાકભાજીની 1469 અને ઘાસચારાની 1418 હેક્ટર જમીનમાં વાવણી થઇ છે. આ વર્ષે સારો એવો પાક થયો છે. જેને લઈને ખેડૂતો પણ ખુશ છે. તથા હાલમાં એમની મહેનત ખૂબ જ વધી ગયેલ છે. કારણે કે, હજી તો આ ચોમાસાની શરૂઆત છે, આવનારા દિવસોમાં વધુ વરસાદ પડે એ પહેલાનો સમય ખેડૂતો માટે ખુબ જ અગત્યનો હોય છે.
ગઈકાલે રાતે વડોદરામાં વરસાદી ઝાપટા પડ્યા હતા પરંતુ પછી મેઘમહેર બંધ થઈ ગઈ હતી. એ પછી આજે દિવસ દરમિયાન પણ વરસાદી માહોલ બંધાયેલ છે. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. રાતે તરસાલી, માંજલપુર, મકરપુરા, કલાલી, કારેલીબાગ સહિતના અમૂક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.