વડોદરા: શહેરના પશ્ચિમ રેલવે પોલીસ (Western Railway Police) પરેડ ગ્રાઉન્ડ ખાતે 73માંપ્રજાસત્તાકદિનની (Republic Day) દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમારે (Pradipbhai Parmar) રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો અને પોલીસ બેંડની રાષ્ટ્રગીતની (National Anthem) સૂરાવલી વચ્ચે સલામી આપી હતી. તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ પણ જોડાયા હતા. સમગ્ર ઉજવણી સીમિત હાજરી અને કોવીડ પ્રોટોકોલ (Covid Protocol) સાથે કરવામાં આવી હતી.
કલેક્ટર અતુલ ગોર તથા પોલીસ કમિશનરશ્રી સમશેર સિંઘ મંત્રીને આવકારી પોડિયમ તરફ દોરી ગયા હતા. જ્યાં તેમણે પરંપરા મુજબ 9 વાગ્યે તિરંગાને લહેરાવ્યો હતો. બાદમાં પોલીસ બેંડ પર રાષ્ટ્રીય ગીતની સૂરાવલી સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તત્પશ્ચાયત, આ ત્રણેય મહાનુભાવોએ ખુલી જીપમાં બેસી પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને આમંત્રિતોનું અભિવાદન ઝીલ્યું હતું.
રાજ્યમાં કોરોનાની મહામારી સામે રોગપ્રતિકારક શક્તિ વધે, સંક્રમણ અટકે તેમ જ મહામારી સામે રક્ષણ મળે તે ઉદ્દેશ્યથી રાજ્યમાં છેલ્લા 121 દિવસમાં 53.87 લાખથી વધુ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા 2.33 કરોડ લોકોને દ્વિતિય ડોઝ આપવામાં આવ્યો છે. હાલ કુલ 4.77 કરોડ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા 4.36 કરોડ લોકોને દ્વિતિય ડોઝ આપવામાં આવ્યો છે.
દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિ, સાતત્યપૂર્ણ નેતૃત્વ અને જનશક્તિના સાક્ષાત્કારના ત્રિવેણી સંગમથી આપણે પ્રતિદિન વિકાસના નવતર સોપાનો સર કરી રહ્યાં છીએ. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઊર્જાવાન નેતૃત્વમાં આપણે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ. રાજ્યના પ્રત્યેક નાગરિકને ઘર આંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે અને સ્વસ્થ, સલામત અને સુરક્ષીત ગુજરાત રહે એ માટે સરકાર દિવસ રાત મહેનત કરીને નિષ્ઠાપૂર્વક જનતાની પડખે ખભે ખભા મિલાવીને ઊભા રહેવાવાળા છીએ.
પ્રભારી મંત્રીએ કહ્યું કે, છેલ્લા દોઢ-બે વર્ષથી ગુજરાત સહિત સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે બાથ ભીડી રહ્યું છે. ભારત દેશે 150 કરોડ ઉપરાંતના રસીકરણની ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરી છે, કોરોનાને નાથવાના જંગમાં ઈતિહાસ સર્જ્યો છે. વિશ્વના આ સૌથી મોટા રસીકરણ અભિયાનમાં ગુજરાત મક્કમતાથી અગ્રેસર રહ્યું છે.
મંત્રીએ નાગરિકોને શુભકામનાઓ આપતા પ્રજાજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, આજનો દિવસ દેશ-વિદેશમાં રહેતા તમામ ભારતીયો માટે અત્યંત ગૌરવપૂર્ણ દિવસ છે. આજના પાવન દિને 72 વર્ષ પહેલા આપણે લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો. આજે આપણો દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ, સશક્ત અને દિર્ધદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વના પરિણામે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. અનેક કિર્તિમાનો સ્થાપી આપણો દેશ સુરાજ્યની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યો છે.
પરેડમાં જિલ્લા પોલીસ, શહેર પોલીસ, ટ્રાફિક, હોમગાર્ડ, એનસીસી, શ્વાનદળ, અશ્વદળની ટૂકડીઓ જોડાઇ હતી. પરેડનું નેતૃત્વ સહાયક પોલીસ કમિશનર રાધિકા ભરાઈએ કર્યું હતું. વડોદરામાં યોજાતા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પરેડ પ્રથમ વખત કોઈ મહિલાએ નેતૃત્વ કર્યું હોય તેવો આ અવસર હતો. પરેડમાં કુલ 12 કુમકોએ ભાગ લીધો હતો.