Nidhi Dave, Vadodara: વડોદરા શહેર કલાનગરી તરીકે જાણીતી છે. વડોદરા શહેરના લોકોના રોમ રોમમાં કલા વસેલી છે. શહેરમાં સમય અંતરે પ્રદર્શનનું આયોજન થતું હોય છે. પરંતુ ખાસ વાત એ છે કે શહેરના કલાકારોનું પ્રદર્શન ફક્ત વડોદરામાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં પણ યોજાતું હોય છે. જેમાં વડોદરા શહેરના પિયુષ પટેલનું તસ્વીર પ્રદર્શન રાજસ્થાનીના જયપુર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે.
રાજસ્થાનના જયપુરમાં આવેલ જવાહર કલા કેન્દ્ર ખાતે પિયુષ પટેલનું શોલો પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં કુલ 35 તસ્વીર પ્રદર્શનાર્થે મુકવામાં આવી છે. જેને જયપુરવાસી આજરોજ 12 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સુધી સવારમાં 11:00 કલાકથી સાંજના 7:00 કલાક સુધી નિહાળી શકશે. આ પિયુષ પટેલનું બીજું શોલો પ્રદર્શન છે. આ સિવાય પિયુષ પટેલે વડોદરા સહિત અમદાવાદ, સિમલા અને જયપુર ખાતે પ્રદર્શન કરી ચુક્યા છે. પ્રદર્શનમાં મૂકવામાં આવેલ કચ્છના ફોટોગ્રાફનું કલેક્શન છેલ્લા દસથી બાર વર્ષનું છે.
ખાસ વાત તો એ છે કે, આ પ્રદર્શન ગુજરાત લલિત કલા એકેડમિના સહયોગથી કરવામાં આવ્યું છે. જેથી આ 75મુ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત કરવામાં આવ્યું છે. ફોરોગ્રાફર પિયુષ પટેલે જણાવ્યું કે, મારુ પ્રદર્શન કલરફુલ કચ્છ શીર્ષક હેઠળ રાખવામાં આવ્યું છે. કચ્છ ! મારા ગુજરાતનું ઘરેણું છે. એની પાસે સંસ્કૃતિ છે. સંસ્કાર છે, કલાનો વૈભવ છે, ઇતિહાસનું ગૌરવ છે, સંબંધોની અદભુત ગૂંથણી છે, નાનામાં નાના તહેવારોને આગવું સન્માન છે. પોતાની ધરતી અને પહેરવેશ માટે અનન્ય લાગણી છે.