Nidhi Dave, Vadodara: વડોદરા શહેર જેટલું ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે, એટલું વડોદરામાં આવેલા નવનાથ મહાદેવ માટે પણ પ્રસિદ્ધ છે. વડોદરાની ચારે બાજુ આ નવનાથ મહાદેવ સ્થિત છે. અને આ નવનાથ મહાદેવના આશીર્વાદ વડોદરા પર આજદિન સુધી રહેલા છે.જેમાં વડોદરાના નવનાથ જેમકે, (1) શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ, (2) કામનાથ મહાદેવ, (3) ભીમનાથ મહાદેવ, (4) મોટનાથ મહાદેવ, (5) સિધ્ધનાથ મહાદેવ, (6) કોટનાથ મહાદેવ, (7) જાગનાથ મહાદેવ, (8) રામનાથ મહાદેવ અને (9) ઠેકરનાથ મહાદેવ.
ભીમનાથ મહાદેવ: સયાજીગંજમાં ભીમનાથ રોડ નામનો રસ્તો છે. એ રસ્તાની જોડે ભીમનાથ મહાદેવનું મંદિર છે. ભીમે અહીં શિવલિંગની સ્થાપના કરી એ જ આ ભીમનાથ મહાદેવ. આ મંદિરના મુખ્ય શિવલીંગ સામે આપણે ઉભા રહીને તો ડાબે હાથે 5-6 પગથિયા ઉતરીને નીચે જઇને એટલે ત્યાં ગર્ભાગારમાં આપણને એક બીજું શિવલિંગ જોવા મળે છે. એનું નામ છે સિદ્ધેશ્વર મહાદેવ. એનાં દર્શનથી લોકોની મનોકામના સિદ્ધ થાય છે તેથી એને સિદ્ધેશ્વર કહે છે.
મોટનાથ મહાદેવ: વડોદરા શહેરથી આશરે 10 કિ.મી. દૂર હરણી નામનું ગામ છે. લોકવાયકા અનુસાર મોટનાથ મહાદેવનું મંદિર આશરે 600 વર્ષ જૂનું છે. એમાંનું શિવલીંગ ભૂગર્ભમાંથી પ્રગટ થયું હતું. આ મંદિરનો મહિમા એટલો વિશાળ છે કે અહીં શ્રીમદ્ જગદ્ગુરુ શંકરાચાર્યજી, પ.પૂ. ડોંગરે મહારાજ, ભાવનગરના દયાદિલ મહારાજ, સાવર કુંડલાના શ્રી ગિરીબાપુ તેમજ સાવલીના સ્વામીજી જેવા અનેક સાધુ - સંતો તેમજ રૂદ્રાભિષેક પણ કર્યા છે.
સિદ્ધનાથ મહાદેવ: ખંડેરાવ માર્કેટની ડાબી બાજુએ એક રસ્તો જાય છે. ત્યાંથી થોડું આગળ જઇએ એટલે જમણી બાજુ સિદ્ધનાથ તળાવ દેખાય છે. તળાવના કાંઠે બાપુ મહારાજનાં વિઠ્ઠલમંદિરની સામે સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે. આની લોકવાયકા એવી છે કે આ મહાદેવની ભક્તિ કરીએ તો આપણી મનોકામના સિદ્ધ થાય છે, એટલે એનું સિદ્ધનાથ નામ પડ્યું છે.
જાગનાથ મહાદેવ: વડોદરાથી પાદરા તરફ જવા કલાલી ફાટક નામનું રેલવે ફાટક આવે છે. એ ફાટકથી આગળ વડસર તરફ જવાના રસ્તા પર જ જાગનાથ મહાદેવનું બહુ જૂનું મંદિર છે. હાલ બે કરોડ રૂપિયાના ખર્ચે મંદિરના જિર્ણોદ્ધારનું કામ ધારાસભ્ય યોગેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને આખું મંદિર પથ્થરનું બનાવવામાં આવ્યું છે.