Nidhi Dave, Vadodara: સામાન્ય રીતે સાહસિક પ્રવૃતિઓ (Adventure Activities) અને પર્વતારોહણ (Mountaineering) જેવા શોખથી દૂર રહેતા ગુજરાતીઓને હવે સાહસિક ગતિવિધિઓમાં પણ આગવું પ્રદર્શન કરી રહ્યા છે. જેના ભાગરૂપે યુવાનો પર્વતારોહણ તરફ આગળ વધી રહયા છે. માઉન્ટ યુનમ હિમાચલના ( Mount Yunam Himachal ) લાહૌલ વિસ્તારમાં લદ્દાખની સરહદની( Ladakh Border ) નજીક આવેલ ટ્રાન્સ હિમાલયન પર્વતમાળાનું 20,300 ફૂટ ઊંચું બર્ફીલુ શિખર છે. દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનની સાથે ભારે પવનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો છે.
આ દળ અમદાવાદથી 12મી ઓગસ્ટનાં દિવસે રવાના થયું હતું. આ પર્વતારોહણ કુલ 7 દિવસનું હતું. જેમાં ઇન્વીન્સિબલ એન.જી.ઓની ટીમ પહેલા દિવસે મનાલી (5500 ફૂટ) પહોંચી જરૂરી તૈયારીઓ કરી હતી, ત્યારબાદ બીજા દિવસે ટીમ જિસ્પા પહોંચી હતી. ત્રીજા દિવસે ભરતપુર કેમ્પ સુધી પહોંચ્યા હતા અને એક્લીમેટાઇસેશન માટે ટાઇગર હિલનો ટ્રેક કર્યો હતો.
ત્યાર બાદ એડવાન્સ કેમ્પ સુધી લોડ ફેરી કરીને સામાન પહોંચાડ્યો હતો. એડવાન્સ કેમ્પ પર પહોંચ્યા બાદ છેવટે પાંચમાં દિવસે રાત્રે 12 વાગે નીકળી 8 કલાક ની સતત ચઢાઈ બાદ તારીખ 19મી ઓગસ્ટનાં સવારના 08:30 વાગ્યે ટીમના 15 સભ્યોએ માઉન્ટ યુનમ શિખર (20,300 ફૂટ) પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. સફળતાપૂર્વક આરોહણ પૂર્ણ કરીને આ દળ 21મી ઓગસ્ટનાં રોજ મનાલી બેઝકેમ્પ પર પરત આવી જતા પર્વતારોહકો અને ટ્રેકિંગ સાથે સંકળાયેલ લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.
માઉન્ટ યુનમ હિમાચલ પ્રદેશમાં પીરપંજાલ શૃંખલામાં આવેલ 20,300 ફૂટ ઊંચું શિખર છે. જેમાં 16 લોકોની ટીમમાંથી 15 લોકોએ સફળતાપૂર્વક આરોહણ કર્યું.3 ગર્લ ટ્રેકરે પણ ભાગ લઈને સફળતા મેળવી છે. દ્રઢ મનોબળ, આકરી શારીરિક તાલીમ અને અદભૂત ટીમ વર્કના કારણે સફળતા મળી. જેમાં ખાસ કરીને વડોદરા શહેરના ત્રણ યુવા વિજય મકવાણા, ભક્તિ ખકકર અને મૌરવી પટેલ સામીલ હતા.
તૈયારીઓ: છેલ્લા ત્રણ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા. દરરોજ 5 કિમીનું રનીંગ, સામાન સાથે સીડીઓ ચઢ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ કરતા હતા. ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિસ્પર્ધીઓની પસંદગી કરવામાં આવી હતી. મનાલી પહોંચ્યા બાદ એક દિવસ અને ઉપર બે દિવસ માટે પોતાની તાલીમનો મહાવરો કર્યો.