નિધિ દવે, વડોદરા: રાજ્યમાં ભારે વરસાદના પગલે પંજાબથી એન.ડી.આર.એફ. (NDRF)ની 5 ટીમો વડોદરા આવી છે. ઉપરવાસમાં મેઘરાજાની પધરામણીના પગલે પુરની (Flood) પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા કલેકટરે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરતા વહીવટી તંત્ર સતર્ક કરાયું છે. 12 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
એરફોર્સના કાર્ગો પ્લેનમાં બચાવ કામગીરીના સર સાધનો સાથે જવાનો વડોદરા એરપોર્ટ આવ્યા. છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, સુરત અને વડોદરામાં સાવચેતીના ભાગરૂપે NDRFના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પાંચ ટીમના 200 કરતા વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.નર્મદા સહિતની નાનીમોટી નદીઓ બંધો અને છલકાયેલા તળાવોના પાણીથી પ્રભાવિત થવાની શક્યતાવાળા વડોદરા જિલ્લામાં 100 થી વધુ ગામો છે.
વડોદરા જિલ્લા માટેના ડીસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ફ્લડ રિસ્પોન્સ એક્શન પ્લાન 2022 બનાવવામાં આવ્યો છે. જો વાત કરી એ આજવા સરોવરની તો, આજવા સરોવર એ વડોદરાની જીવાદોરી સમાન છે. જેમાં છેલ્લા 48 કલાકમાં પાણીની આવક વધતા તંત્ર એ હાશકારો અનુભવ્યો છે. આજવામાં બે દિવસમાં જ 368 કરોડ લીટર પાણીની આવક તથા સરોવરમાં 1 ફૂટનો વધારો થતા 208.30 ફૂટે છે. તથા શહેરની વિશ્વમિત્રી નદી હાલમાં 8 ફૂટે વહી રહી છે.