વડોદરાઃ સોશિયલ મીડિયાનું (social media) એક સશક્ત મંચ છે ફેસબુક અને ફેસબુક પેજ (facebook page). આ નવીન છતાં ખૂબ ઝડપથી વિશ્વવ્યાપી બનેલા માધ્યમના જ્યારે વિવિધ રીતે જોખમી પ્રભાવો ઉજાગર થઈ રહ્યા છે, તેવા સમયે વડોદરાના (vadodara) પક્ષી છબીકાર (Bird photographer) અને ડાક સામગ્રીના સંગ્રાહક ડો.રાહુલ ભાગવત અને તેમના સમાન રસ અને શોખ ધરાવતા મિત્ર યશોધન ભાટિયા કે જેઓ પણ એક ઉત્તમ કક્ષાના પક્ષી છબીકાર અને પક્ષી ટપાલ ટિકિટ સંગ્રાહક છે. આ બંને એ સમાજને ઉપયોગી અને દિશાદર્શક બની રહે તેવા અને નવીન વિચાર આધારિત એફ.બી. પેજની રચના કરી છે.
13 મી ઓકટોબરની નેશનલ ફિલાટેલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ફીલાટેલી એટલે ટપાલ ટિકિટો અને ડાક સામગ્રીના અભ્યાસનો ઇતિહાસ. તેને સુસંગત રીતે આજે 13મી ઓકટોબરે આ પાર્લિયામેન્ટ ઓફ બર્ડ ફિલાટેલિસ્ટ નામક પેજ તરતું મૂકવામાં આવ્યું છે. ભારતીય ઉપખંડમાં 1300 જેટલી વિવિધતાસભર, આકર્ષક, રમણીય અને ઋતુ તેમજ હવામાનની અનુકૂળતા પ્રમાણેની પક્ષી સૃષ્ટિ જોવા મળે છે તેવી જાણકારી આપતાં ડો.રાહુલ ભાગવતે જણાવ્યું કે, તેમ છતાં, સ્વદેશી ડાક સામગ્રી અને ટપાલ ટિકિટો પર માત્ર 60 જેટલી પ્રજાતિઓને જ સ્થાન મળ્યું છે.
તેમણે જણાવ્યું કે આશ્ચર્યની વાત એ છે કે, જગતના દેશોએ ભારતીય ઉપખંડની પક્ષી વિવિધતાને પોતાની ટપાલ ટિકિટો અને પોસ્ટલ મટીરીયલ પર સ્થાન આપ્યું છે. તેમણે દાખલો આપતાં જણાવ્યું કે, વિયેતનામ એ ભારતીય ઉપખંડનો દેશ નથી. છતાં પણ ઇન્ડિયન સ્કીમર નામના ભારતીય પક્ષીની ટપાલ ટિકિટ આ દેશે બહાર પાડી છે.એટલે ભારતીય ઉપખંડના પક્ષીઓનું નિરૂપણ કરતી વિશ્વના કોઈપણ દેશની ટપાલ સામગ્રી આ પેજ પર મૂકી શકાશે.
તેઓ સ્પષ્ટ કરે છે કે, અમારા પેજનો કોઈ વ્યવસાયિક આશય નથી કે અમે ટપાલ સામગ્રીના વેચાણ વિનીમયનું પ્લેટફોર્મ તેને બનાવવા માંગતા નથી. અમારો આશય પોસ્ટલ સામગ્રીને લગતા જ્ઞાનની વહેંચણીનો, આદાન પ્રદાનનો અને આ પ્રકારના શોખને પ્રોત્સાહિત કરવાનો છે. એટલે પક્ષી વિષયક ડાક સામગ્રીના સંગ્રાહકોની સાથે રસ ધરાવતી કોઈપણ વ્યક્તિ આ રચનાત્મક મંચ સાથે જોડાઈ શકે છે.
ફિલાટેલી એ ખૂબ વ્યાપક અને વિવિધતાથી ભરેલું ક્ષેત્ર છે. તો પક્ષી છબિકલાનું વિશ્વ પણ આ અસીમ છે. આ પેજ આ બંનેને જોડવાનો પ્રયાસ છે. ફિલાટેલિ એટલે ડાક સામગ્રી જેમાં ટપાલ ટિકિટો, મીની સ્ટેમ્પ્સ, મિનીએચર શીટ્સ, મીન્ટ શીટ્સ, પ્રથમ દિવસ પરબીડિયું, ખાસ કવર્સ, ઓટોગ્રાફ કવર, પોસ્ટ કાર્ડ, પોસ્ટલ માર્ક, મેક્સિમમ કાર્ડ, એ બધાનો સમાવેશ થાય છે. બંને ક્ષેત્રો ખૂબ વિવિધતાથી ભરેલા છે. સોશિયલ મીડિયા પર બહુધા ખંડનાત્મકતાની છાપ લાગી છે તેવા સમયે તેને રચનાત્મકતા, સર્જનાત્મકતા અને જ્ઞાનમંચની આભા આ પ્રકારના પેજથી મળશે. તેની સાથે સમાજમાં પક્ષીસૃષ્ટિ ની સમજ અને લગાવ વધશે એવી આશા રાખી શકાય.