મયુર માકડિયા, વડોદરાઃ નાયક ફિલ્મમાં અનિલ કપૂરને (Anil kapoor movie Nayak) એક દિવસના સીએમ (one day CM) બનવાનો મોકો મળતા તે સીએમ પદ પર રહીને સામાન્ય નાગરીકની જેમ સામાન્ય નાગરીકોની વચ્ચે જતો જોવા મળ્યો હતો, આવો જ કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે. સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ (CM bhupedra Patel) કોઈ પણ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વગર વડોદરાના (Vadodara) સુખાલીપુરા ગામમાં પહોંચી ગયા હતા. અહીં તેમણે સાદગી-સૌહાર્દ અને સેવાપરાયણતાથી ગ્રામજનોમાં પોતીકી સરકારના સંતોષનું સ્મિત રેલાયું હતુ.
મુખ્યમંત્રીએ પણ પોતાના વાહનમાંથી ઉતરી ગ્રામીણખેડૂતો-માતા-બહેનોના ઘર આંગણે જઇને તેમની સાથે સહજ વાતચીત સંવાદથી જનસેવક તરીકેની અનોખી સંવેદના દર્શાવી. તેમણે ગ્રામીણ મહિલાઓ સાથે ગામમાં સફાઇ, પાણી, વીજળી જેવી પાયાની સુવિધા અંગે, શાળાએ જતા બાળકો સાથે શાળા શિક્ષણ અંગે લંબાણપૂર્વક વાતચીત કરીને સરકારની યોજનાઓના લાભ બરોબર મળે છે કે કેમ? તેની પૃચ્છા કરી હતી.
તેમણે સૌ પ્રથમ સુખાલીપુરાના નવી નગરી વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. એટલું જ નહિ, મુખ્યમંત્રીએ આંગણવાડી કેન્દ્રમાં પણ જઇને આંગણવાડી કાર્યકર બહેનો સાથે વાતચીત કરી, નંદઘરમાં અપાતી સુવિધા, પોષક આહાર, રમકડાં, અભ્યાસ સામગ્રી વિશે પૂછપરછ કરી જાણકારી મેળવી હતી.
આ સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી એવા વિઠ્ઠલભાઇ મોતીભાઇ વણકરને યોજના અંગે પૃચ્છા કરી હતી. યોજનામાં મળવાપાત્ર રકમ સમયસર મળી રહે છે? મકાનનું કામ સારી રીતે થયું છે? પાકા મકાનમાં રહેવાની મજા આવે છે? સહિતની બાબતોની જાણકારી મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી. ગામમાં ૨૦ ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ વિમાની મથકેથી રાષ્ટ્રપતિને જામનગર જવા વિદાય આપ્યા બાદ અચાનક જ આ ગ્રામીણ વિસ્તારોની મોટરમાર્ગે નિરીક્ષણ મુલાકાતનો નિર્ણય કર્યો અને કોઇને ય જાણ કર્યા વિના અમદાવાદ, વડોદરા હાઇ-વે પર થઇને સુખાલીપુરા પહોચી ગયા હતા. તેમણે વડોદરાના એકતાનગરની પણ મુલાકાત લીધી હતી અને અહીં રહેતા નાગરિકો પાસેથી વિગતો મેળવી હતી. આ રીતે સીએમની સાદગી, સહજતા અને ગ્રામીણ નાગરિકો સાથેનો ઉષ્માપૂર્ણ વ્યવહાર જોઇને ગ્રામજનોના મુખ પર પોતીકી સરકારના પોતાના મુખ્યમંત્રીનો સંતોષ દેખાતો હતો.