વડોદરા: 25 ફેબ્રુઆરી, 2021ના રોજ અમદાવાદની આયેશા નામની એક યુવતીએ રિવરફ્રન્ટ (Ayesha Suicide case) ખાતે વીડિયો રેકોર્ડ કરીને આપઘાત કરી લીધો હતો. આ બનાવે આખા દેશમાં ચર્ચા જગાવી હતી. આ કેસમાં તાજેતરમાં જ તેના આરોપી પતિને 10 વર્ષની જેલની સજા પડી છે. હવે આવો જ એક બનાવ વડોદરા શહેર (Vadodara Nafisa suicide case)માં બન્યો છે. યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવતીના પરિવારના લોકોએ આક્ષેપ કર્યો છે કે નફીસા અમદાવાદના એક યુવકના પ્રેમ સંબંધ (Love Matter)માં હતા. પ્રેમ પ્રકરણમાં જ નફીસાએ આપઘાત કરી લીધો છે.
અમદાવાદની આયેશાએ આપઘાત પહેલા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વીડિયો રેકોર્ડ કર્યો હતો. નફીસાએ પણ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વીડિયો રેકોર્ડ કરીને વડોદરા ખાતે આપઘાત કર્યો છે. મળતી માહિતી પ્રમાણે બે દિવસ પહેલા તાંદલજાની નફીસા ખોખરે (Nafisa Khokhar) ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. નફીસાએ આ પહેલા અમદાવાદ ખાતે જઈને બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આપઘાતના કારણ વિશે યુવતીના પરિવારજોએ જણાવ્યું કે, નફીસા અમદાવાદના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. યુવતી અમદાવાદ યુવકના ઘરે જતી હતી અને ત્યાં રોકાતી પણ હતી. યુવક રમીઝ પણ અમદાવાદ આવતો હતો અને રોકાતો હતો. બંને લગ્ન પણ કરવાના હતા. જોકે, રમીઝના પરિવારજનો લગ્નની વાત પરથી ફરી જતા નફીસા આઘાતમાં આવી ગઈ હતી. આ કારણે તેણીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.