

વડોદરા: વડોદરા શહેરમાં છાસવારે જૂથ અથડામણ (Group Clash) થતી રહે છે. મંગળવારે રાત્રે અહીં જૂથ અથડામણાં ટોળાએ પોલીસની બાઇક (Bike) સળગાવી દીધી હતી અને પથ્થરમારો (Stone Pelting) કર્યો હતો. આ હુમલામાં PCR વાનના એક ASIને હાથમાં ઈજા પહોંચી હતી. ASIને હૉસ્પિટલ લઈ જવાયા બાદ તેમના હાથમાં ફ્રેક્ચર હોવાનું માલુમ પડ્યું હતું. અક્ષર ચોકથી સનફાર્મા રોડ ઉપર ઝાડેશ્વરનગર યુ.એલ.સી. વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી. બનાવ બાદ અહીં રાત્રે જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.


મળતી માહિતી પ્રમાણે ઝાડેશ્વરનગરના યુ.એલ.સી વસાહત ખાતે રાત્રે બે જૂથ વચ્ચે કોઈ વાતને લઈને તકરાર થઈ હતી. જે બાદમાં પોલીસ મામલો થાડે પાડવા માટે પહોંચી હતી. પોલીસને જોઈને જ ટોળાએ તેમના પર પથ્થરો વરસાવ્યા હતા. આ દરમિયાન ટોળાએ LRD જવાનની એક બાઇકને આગ ચાંપી દીધી હતી. પથ્થરમારાને કારણે પોલીસ કંટ્રોલ રૂમની વાનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદભાઈના હાથમાં એક પથ્થર વાગ્યો હતો. ખાનગી હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ડૉક્ટરે હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું.


વડોદરા શહેરમાં મંગળવારે એક સમાજના ત્રણ હજાર જેટલા લોકોએ સરઘસ કાઢ્યું હતું. માતાજીની પધરામણી થઈ હોવાનું માનીને શહેરના ખોડીયારનગર ખાતે કો એકઠા થયા હતા. આ મામલે મોડે મોડે જાગેલી પોલીસે 50 જેટલા લોકોની અટકાયત કરી હતી. પોલીસે જે લોકોની ઓળખ થઈ રહી હતી તેની ધરપકડ કરી રહી હતી. આ દરમિયાન ઝાડેશ્વરનગર ખાતે પોલીસ જ્યારે ઝઘડો શાંત કરવા માટે પહોંચી હતી ત્યારે લોકોને એવું લાગ્યું હતું કે પોલીસે તેમની ધરપકડ કરવા આવી છે. આ જ કારણે તેમણે પોલીસ પર પથ્થરમારો કરી દીધો હતો.


મળતી માહિતી પ્રમાણે મંગળવારે જે સરઘસ નીકળ્યું હતું તે જ કોમના અનેક લોકો ઝાડેશ્વરનગરમાં રહે છે. આથી લોકોમાં ફેલાયેલી ગેરસમજ બાદ તેઓએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. લોકોને એવું લાગ્યું હતું કે પોલીસ તેમની ધરપકડ કરવા માટે પહોંચી છે. રાત્રે બનેલા આ બનાવ બાદ પોલીસે હુમલો કરનાર અને બાઇકને આગ ચાંપી દેવા મામલે ગુનો નોંધીને જવાબદાર લોકોની શોધખોળ શરૂ કરી છે. બનાવ બાદ જે.પી. પોલીસ મથકના પી.આઈ પણ બનાવ સ્થળે દોડી ગયા હતા.