Nidhi Dave, Vadodara: વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. આ સંસ્કારી નગરીમાં કલાકારો દ્વારા કલાના માધ્યમ દ્વારા સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં આવી. શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલી પી. એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે "સંસ્કૃતિ " શીર્ષક હેઠળ ફોટોગ્રાફી એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તુષાર તેરે, પ્રાર્થી શાહ અને કાવ્યા શાહ દ્વારા ક્લિક કરાયેલાં 30 જેટલા ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરાયાં છે.
આપણાં ત્યાં જ્યારે પણ હેરિટેજની વાત થાય ત્યારે લોકોની નજર સામે માત્ર ઈમારતો અને મોન્યુમેન્ટસ્ તરવરે છે. હેરિટેજમાં માત્ર ઈમારતો જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યો - શહેરો - ગામોમાં જોવાં મળતાં ધાર્મિક રિતિ - રિવાજો, તહેવારોની ઉજવણી, રોજિંદી જીવનશૈલી અને ત્યાંની ભાતિગળ સંસ્કૃતિ પણ આપણો ઐતિહાસિક વારસો છે.
જે આપણા દેશનો અમૂર્ત વારસો છે. જેને પગલે આ ત્રણ ફોટોગ્રાફરે પ્રદર્શનનું "સંસ્કૃતિ" નામ આપ્યું છે. અહીં કુલ 24 ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરાયાં છે અને બાકીના 6 કાવ્યા શાહે બનાવેલાં ડિજિટલ ઈલસ્ટ્રેશન્સ છે.ફોટોગ્રાફર તુષાર તેરે એ જણાવ્યું કે, સંસ્કૃતિ પ્રદર્શનમાં મારા 12 જેટલા ફોટો પ્રદર્શિત કર્યા છે. હું છેલ્લા છ વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યો છું.
ફોટોગ્રાફર પ્રાર્થી શાહ કે જે વર્ષ 2014 થી ફોટોગ્રાફી કરી રહી છે. તેણી હેરિટેજ મેનેજમેન્ટમાં કાર્ય કરી રહી છે અને ફોટો પ્રદર્શનનું આયોજન પણ સમય અંતરે કરતી હોય છે. સંસ્કૃતિ પ્રદર્શનમાં 12 ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યા છે જેમાં ઐતિહાસિક સ્થળો, તહેવારો, પરંપરાઓના ફોટો પ્રદર્શિત કર્યા છે. જે ખાસ કરીને મથુરા, નેપાલ, વાંકાનેર, રાજસ્થાન, અમદાવાદ, લેહ લદાખના ક્લિક છે.