Nidhi dave, Vadodara: રાજ્યના સામાજિક ન્યાય (Social Justice) અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઇ પરમારે ઐતિહાસિક ડભોઇ નગર (Historic Dabhoi Nagar) ખાતે 76 માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે (75th Independence Day) ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેર જિલ્લાના (Vadodara District) લોકોને આઝાદી પર્વની (Independence Day) શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે આઝાદીના જંગમાં માં ભારતીની આઝાદી માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલિ આપી હતી. તેમણે પ્રધાનમંત્રીના અનુરોધને ઉમળકાથી વધાવી લઈને હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘેર ઘેર તિરંગો લહેરાવનારા સૌને અભિનંદન આપ્યા હતા.આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારત એ રાજ્ય સરકારનો સંકલ્પ છે. ગુજરાત સરકારનું લક્ષ્ય છેવાડાના માનવીનું કલ્યાણ છે.
દેશમાં સૌથી વધુ મૂડીરોકાણ ગુજરાતમાં થઈ રહ્યું છે તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે આરોગ્ય, મહિલા અને બાળ કલ્યાણ, અનુસૂચિત જાતિ કલ્યાણ, કૌશલ્ય અને રોજગારી, ખેડૂત કલ્યાણ,શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વિકાસ આયોજનોની વિગતવાર જાણકારી આપી હતી. તેમણે રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતીની જાળવણી માટે પોલીસ કર્મયોગીઓને હૃદયથી બિરદાવ્યા હતા.
ડભોઈને ઐતિહાસિક પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જાણકારી આપતા તેમણે ઉમેર્યું કે વડોદરા જિલ્લામાં ધાર્મિક ઐતિહાસિક સ્થળોમાં પ્રવાસન સુવિધાઓના વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ડભોઇને ભક્ત દયારામની નગરી તરીકે ઓળખાવી તેના અમૂલ્ય સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનો સગર્વ ઉલ્લેખ કર્યો હતો.તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીની તાજેતરની વડોદરાની મુલાકાત રૂ. 21 હજાર કરોડના વિકાસ કામોની સૌગાદ બની રહી.
વડોદરા જિલ્લામાં 5.87 લાખથી વધુ લોકો આયુષ્માન કાર્ડ થી આરોગ્ય રક્ષા કવચનો લાભ લઈ રહ્યાં છે. કેશ ક્રેડીટ કેમ્પો દ્વારા મહિલા સ્વ સહાયતા જૂથોને 322 લાખનું ધિરાણ તેમને આત્મ નિર્ભરતા તરફ લઈ જશે. તેમણે જિલ્લામાં જળ સંચય માટે અને આઝાદીના અમૃત પર્વને યાદગાર બનાવવા 75 અમૃત સરોવરના નિર્માણના આયોજન તેમજ ઘેર ઘેર 100 ટકા નળ જોડાણ માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા.
તેમણે ઉત્તમ કામગીરી માટે વિવિધ સરકારી વિભાગોના કર્મયોગીઓને પ્રમાણપત્ર પ્રદાન કરીને સન્માન્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં મેઘાણી સવા શતાબ્દીના ભાગરૂપે મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ કર્યું હતું. સૌ મહાનુભાવોએ કોલેજ પ્રાંગણમાં છોડવા રોપ્યા હતા. રૂ. 712 લાખથી વધુ રકમના વિકાસ કામોની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી કલા જૂથોએ દેશભક્તિ પ્રેરક સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી સૌની પ્રશંસા મેળવી હતી.
પરેડના નિરીક્ષણમાં કાર્યકારી જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ અને જિલ્લા પોલીસ વડા અનુપમ આનંદ જોડાયા હતા. ડભોઇના વિકાસ સંકલ્પી ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા પંચાયત સમિતિ અધ્યક્ષ અશ્વિન પટેલ, જિલ્લા પક્ષ અધ્યક્ષ તથા પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો, નગર પાલિક, પદાધિકારીઓ, અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.