

દીપક પટેલ, નર્મદા: રાજપીપળાની GSLપબ્લિક સ્કૂલ કે જે રાજપીપળાની સૌપ્રથમ અંગ્રેજી માધ્યમની શાળા હતી તેની માન્યતા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રદ્દ કરી દેવામાં આવી છે.આ શાળા ગુજરાત સ્પિનર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છે. આ શાળા ભાડાના મકાનમાં ચાલતી હતી. જેમાં મકાનમાલિક સાથે ભાડા કરાર બાબતે વિવાદ થયા બાદ આ ઘટના બની છે.


આ મામલે શિક્ષણાધિકારીએ વારંવાર ભાડા કરાર જમા કરાવવા શાળાને નોટિસ આપી હતી છતા શાળા તરફથી આ અંગે કોઇ જ ધ્યાન લેવામાં આવતું ન હતું જેને બાદ આખરે ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવે આ શાળાની નોંધણી કાયમી ધોરણે બંધ કરવાનો હુકમ કર્યો છે. તમામ બાળકોને અન્ય શાળામાં સમાવેશ કરવા જિલ્લા શિક્ષણાધિકારીને નિર્દેશ આપ્યા છે.


આ મામલે નર્મદાનાં જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર નીપા બેન પટેલનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષથી શિક્ષણબોર્ડ દ્રારા શાળાને આ બાબતે અનેક તક આપવામાં આવી હોવા છતાં પણ શાળાએ નિયમોનું પાલન કર્યુ નથી. જે બાદ તેનાં વિરુદ્ધ આ નિર્ણય લેવામાં આવ્યાં છે. તો બીજી તરફ સત્ર પ્રારંભ થયા બાદ શિક્ષણબોર્ડે તાત્કાલિક અસરથી શાળાની નોંધણી રદ્દ કરતા 400 જેટલા બાળકો અને વાલીઓ રઝળી પડ્યાં છે.


શાળાનાં વાલી મિતલ દેસાઇનું કહેવું છે કે, અમારા બાળકોનાં ભવિષ્ય દાવ પર લાગ્યા છે અને અન્ય શાળામાં હાલ સમાવેશ કરે તો ત્યાનું શિક્ષણ અને શિક્ષકો કેવા પ્રકારના હશે તેની ચિંતા વાલીઓને સતાવી રહી છે.