રાજેશ જોષી, પંચમહાલ : પંચમહાલ જિલ્લા (Panchmahal District)માં ચોમાસા દરમિયાન યાત્રાધામ પાવાગઢ, જાંબુઘોડા અને ઘોઘંબા પંથકમાં વનરાજી ખીલી ઉઠે છે. અહીં નયનરમ્ય નજારો સર્જાય છે. જેમાં પણ પાવાગઢ ખાતે આવેલા ખુણીયા મહાદેવ (Khuniya Mahadev Waterfall) અને ઘોઘંબા પોયલી ખાતે આવેલો હાથણી ધોધ (Hathni Mata Water Fall) પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. જોકે, કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ બંને જગ્યાએ પ્રવાસીઓની અવરજવર માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે.
વડોદરા, આણંદ, ગોધરા સહિત મધ્ય ગુજરાતના નજીકમાં માત્ર આ બે સ્થળોએ ધોધ આવેલા છે. જેથી અહીં દર ચોમાસામાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટે છે. જોકે, આ વર્ષે કોરોના મહામારી ચાલી રહી હોવાથી સંક્રમણનું જોખમ ખૂબ વધારે રહેલું છે. તેમ છતાં પણ રવિવારે અને અન્ય દિવસોમાં મુલાકાતીઓની સંખ્યા વધતાં જ સ્થાનિકોમાં કોરોના વાયરસ સંક્રમણનો ભય ઊભો થયો હતો
જે બાદમાં મામલતદારને જાગૃત નાગરિકોએ રજુઆત કરી મુલાકાતીઓ માટે અવરજવર બંધ કરવાની માંગ કરી હતી. જે આધારે રાજગઢ પોલીસે બેરીકેટીંગ કરી હાથણી ધોધ ખાતે મુલાકાત બંધ કરાવી દીધી છે. બીજી તરફ પ્રકૃતિ પ્રેમીઓ માટે આ બાબત નારાજગી સમી હોઈ શકે છે પરંતુ કોરોના સંક્રમણ અટકાવવા માટે આ પગલું ખૂબ જ આવરદાયક અને જરૂર કહીં શકાય છે.