મહિસાગર: કોરોના કાળમાં લોકોના જીવ જોખમમાં મૂકવાનો એક બનાવ મહિસાગરમાં સામે આવ્યો છે. અહીં મુસાફરોથી ખીચોખીચ ભરેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ પલટી ગઈ હતી. ઘાયલ મુસાફરોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે બસમાં 100 જેટલા મુસાફરોનો ભરવામાં આવ્યા હતા. હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ખાનગી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 60 ટકા મુસાફરો ભરવાની જ છૂટ આપવામાં આવી છે. ત્યારે આ બસમાં નિયમોને નેવે મૂકીને 100 મુસાફરો ભરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે બસની કેપેસિટી 40થી 45 મુસાફરોની હોય છે, પરતું આ બસમાં કેપેસિટીના બે ગણાથી પણ વધારે મુસાફરો ભરી દેવામાં આવ્યા હતા.
જે બસ પલટી ગઈ હતી સંતરામપુરથી કાલાવડ ખાતે શ્રમિકોને મૂકવા માટે જઈ રહી હોવાનું માલુમ પડ્યું છે. આ દરમિયાન સંતરામપુર નજીક પઠારીયા ગામ ખાતે બસ પલટી ગઈ હતી. બસ પલટી જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા પહોંચી હોય તેવા તમામ મુસાફરોને ગોધરા અને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે નાની મોટી ઈજા પહોંચી હોય તેવા લોકોને લુણાવાડા સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.