મહીસાગર: મહીસાગરના લુણાવડાના પાલ્લા ગામ ખાતે બીજેપી નેતા અને તેમના પત્નીની કરવામાં આવેલી હત્યા મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપી દીધા છે. આ કેસમાં મૃતક ત્રીભોવનભાઈ પંચાલનો મોબાઈલ ફોન ગુમ છે. હત્યાનો ગુનો ઉકેલવા તેમજ વિવિધ કડીઓ જોડવા માટે ડૉગ સ્ક્વૉડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. તેમના ઘરની આસપાસ રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તેમનો મોબાઇલ ફોન પોલીસના હાથમાં આવ્યો નથી. મોબાઇલ પર ફોન કરતા રિંગ વાગી રહી છે પરંતુ કોઈ ફોન ઉઠાવી નથી રહ્યું. પોલીસ તરફથી આ મામલે અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્ની જશોદાબેન પંચાલની અજાણ્યા લોકોએ હત્યા કરી નાખી છે. બનાવની જાણ થયા બાદ જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોહોંચી ગયા છે. આ બનાવ લુણાવડા તાલુકાના પાલ્લા ગામ ખાતે બન્યો છે. બનાવની જાણ થતાં લુણાવાડા પોલીસ અને ધારાસભ્ય જિજ્ઞેશ સેવક પણ પાલ્લા ગામ ખાતે પહોંચ્યા છે. મૃતક ત્રીભોવનભાઈ પંચાલ સમાજ પ્રમુખ હોવાથી મોટી સંખ્યામાં લોકો ગામ ખાતે પહોંચી ગયા છે.
ગામ લોકોનું કહેવું છે કે ત્રીભોવનભાઈ ખૂબ જ શાંત સ્વભાવના હતા. તેઓ બીજેપીના જૂના કાર્યકર છે. તેમનું કોઈ દુશ્મન ન હોઈ શકે. આથી હત્યા શા માટે કરવામાં આવી તે કારણ જાણવું મહત્ત્વનું બની રહેશે. મળતી માહિતી પ્રમાણે ત્રીભોવન પંચાલના ત્રણ દીકરામાંથી એક હાલ કેનેડા ખાતે છે. જ્યારે અન્ય એક દીકરો આણંદ ખાતે ડૉક્ટર છે. જ્યારે ત્રીજા દીકરીનું કોરોનાથી નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.