મિતેષ ભાટિયા, મહીસાગર: મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની સપાટીમાં હાલ ઘટાડો થયો છે. ડેમની સપાટી ઘટતા જ અહીં આવેલા એક પ્રાચીન મંદિરના દ્વારા ખુલ્યા છે. અહીં આવેલું મંદિર 850 વર્ષથી જૂનું હોવાનું કહેવામાં આવે છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા ડેમના કેચમેન્ટ એરિયાના કિનારા અને બેટ ખુલ્લા થયા છે. જેના પગલે ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલા નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્યા છે. આ સાથે જ ભોળાનાથના દર્શન કરીને દર્શન ઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા.
મહિસાગર જિલ્લાના જીવાદોરી સમાન એવા કડાણા ડેમમાં હાલ નહિવત જથ્થો જોવા મળી રહ્યો છે. જો આવનાર દિવસોમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો આગામી સમયમાં મહાજળ સંકટ સર્જાય તેવા એંધાણ સર્જાય રહ્યા છે. બીજી તરફ ડેમ કેચમેન્ટ વિસ્તારમાં જળ સપાટી ઉતરતા પાણીની વચ્ચોવચ આવેલા ડુંગરની ગુફામાં નદીનાથ મહાદેવ મંદિર દ્વારા ખુલ્લા થયા છે.