મહિસાગરના લુણાવાડાના વરધરી રોડ ઉપર બ્યુટીપાર્લરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. બ્યુટી પાર્લરમાં મળેલા યુવકના મોત પાછળ ખુદ પાર્લરની મહિલા જ જવાબદાર હોવાનું ખુલ્યું છે. પોલીસની પ્રાથણિક તપાસમાં જ મહિલાએ યુવકની હત્યા કર્યાનું કબુલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, લુણાવાડાના વરધરી રોહ ઉપર આદર્શ વિદ્યાલયની બહાર આવેલા બ્યુટી પાર્લરમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારેલી લોહીથ લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટના સ્થાનિક લોકોમાં અનેક તર્ક વિતર્કો ફેલાયા હતા. (મિતેષ ભાટીયા, મહિસાગર)
પ્રાપ્ત માહિતી પ્રમાણે લુણાવાડાના વરધરી રોડ પર આદર્શ વિદ્યાલયની બહાર આવેલ શાંતિવન એપાર્ટમેન્ટ નીચે આવેલ દિયા બ્યુટી પાર્લરમાં શંકાલ્પદ હાલતમાં યુવક મળી આવ્યો હતો. જોકે, 108 એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ યુવકે દમ તોડ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે બ્યુટી પાર્લર પર સાંજના સમયે મૂળ બાલાસિનોરનો રહેવાસી 35 વર્ષીય અંશુભાઈ ચૌધરી આવી પહોંચ્યો હતો. અને અચાનક બ્યુટી પાર્લરમાં ઘૂસ્યો હતો .જ્યાં ડુંગરીની રહેવાસી અને બ્યુટી પાર્લરની સંચાલિકા અંકિતા મુકેશભાઈ પટેલ એકલી હતી. અચાનક આવી ચઢેલા અંશુ ચૌધરીને જોઈને અંકિતા ડઘાઈ ગઈ હતી. તેણે અંશુને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું.
અંશુ ચૌધરી દારૂના ચિક્કાર નશામાં ચૂર હોવાથી તે અંકિતાની કોઈ વાત માનવા જ તૈયાર ન હતો. છતાં અંકિતાએ તેને તું જતો રહે નહીં તો કોઈ આવીને જોઈ જશે તેમ સમજાવતી રહી પણ અંશુ કોઈ વાતથી સંમત ન હતો. અંકિતા પોતાના પતિ સાથે વરધરી રોડ પર જૂના કાળવા રહેતી હતી પરંતુ ત્યાં તેને અવાર નવાર પોતાના પરિવારજનો સાથે ખટરાગ ચાલતો રહેતો હતો.