ઉમંગ પટેલ, ખેડા: ખેડા જિલ્લાના કઠલાલ પાસેથી પસાર થતા અમદાવાદ-ઈન્દોર હાઈવે ફરી એક વખત મોતની ચીચીયારીઓથી દ્રવી ઉઠ્યો છે. કઠલાલ પાસેના આ હાઈવે પર આજે વહેલી સવારે એક ગોઝારા અકસ્માતમાં બે યુવાનોને કાળ ભરખી ગયો છે. હાઈવે પર રોંગ સાઈડે પુરપાટે આવતા ડમ્પરે ઈનોવા કારને ટક્કર મારતાં ઈનોવા કારનો લોચો વળી ગયો હતો. કારમાં બેઠેલા 7 વ્યક્તિઓ પૈકી બે લોકોના સ્થળ પર મોત નિપજ્યાં છે. જ્યારે 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા છે. કઠલાલ પોલીસે સ્થળ પર પહોંચી ફરિયાદ નોધી છે.
મૃતક અને ઈજાગ્રસ્ત યુવાનો રાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે નામના ધરાવતા હોવાનુ પોલીસ વર્તુળો દ્વારા માલુમ પડ્યું છે. કારમાં સવાર આ તમામ લોકો રેલવે વિભાગમાં જ નોકરી કરે છે અને તમામ લોકો ઉજ્જૈન ખાતે દર્શન કરવા ગયા હતા. બાદમાં પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો છે, તેમ તપાસ કરનાર પોલીસ અધિકારી એસ.બી.દેસાઈએ જણાવ્યું છે.
કારમાં કાર ચાલક સહિત 7 લોકો સવાર હતા, જે પૈકી બે યુવાનો વિનોદભાઈ રાજપાલસિગ ચૌહાણ (ઉ.વ.36, રહે.ગાધીનગર), ગજાનંદ ભોલેનાથ ઉપાધ્યાય (ઉ.વ.40, રહે.ગાધીનગર)ને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે કારમાં સવાર મધુકુમાર વીરસિંગ રાજપુત, ઉમેદસિંગ મોહનસિંગ રાજપુત, મુકેશભાઈ કાનજીભાઈ દેસાઈ, હનુમાનસિંગ શ્રીબલવીરસિંગ રાજપુત અને ઓમનારાયણ શ્રીપતસિહ પરમારને ઈજાઓ પહોંચી હતી. જેથી આ ઈજાગ્રસ્તોને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ તમામ યુવાનો રેલવેમાં એથલેક્ટીક એક્ટિવિટી સાથે જોડાયેલા હતા. તમામ યુવાનો ગાંધીનગરના રહેવાસી હોવાનું જણાવ્યું છે. રમતગમત ક્ષેત્રના આશાસ્પદ યુવાનોના મોતથી ચકચાર મચી જવા પામી છે. આ યુવાનો નેશનલ ગેમમાં પણ રમતો રમી ચૂક્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં મૃતક વિનોદભાઈ ચૌહાણ ઊંચીકુદમા, ગજાનંદ ઉપાધ્યાય ભાલાફેકમા, ઈજાગ્રસ્ત હનુમાનસિગ રાજપુત બાસ્કેટબોલમા, ઉમેદસિહ રાજપુત એથ્લેટીક્સમા, મધુકુમાર રાજપુત ભાલાફેકમા રાષ્ટ્રીય લેવલ પર ઉત્કૃષ્ટ રમત રમી મેડલ મેળવ્યા છે અને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.
મહત્વનું છે કે, આ અકસ્માતમાં આસપાસના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પીઠાઈ ટોલ ટેક્સ બચાવવા માટે અમદાવાદ તરફથી આવતા વાહનો સરાલી પાટીયા તરફથી ઘૂસે છે અને આ રીતે અહીંયા નીકળી રોગ સાઈડે વાહન હંકારતા હોય છે. ખાસ કરીને ટ્રક, ડમ્પર ડ્રાઇવરો બેફામ ચલાવતા હોવના કારણે ત્રાસ વધુ હોવાનું જણાવ્યું છે. માટે જ આવા ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા આ દિશામાં કોઈ નક્કર પગલા ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.