અમદાવાદ : ગુજરાતમાં (rainfall in Gujarat) હાલ મેઘરાજાની સવારી જામી છે. ત્યારે રવિવારે 80થી વધુ તાલુકામાં વરસાદ વરસતા લોકોએ બફારામાંથી રાહત મેળવી હતી. ગઇકાલે રાજ્યમાં સૌથી વધુ વિસાવદરમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા સોમવારે 14 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં 2 જિલ્લા વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ, મધ્ય ગુજરાતમાં પણ સમાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાની આગાહી કરતા જણાવ્યું છે કે, 26 કે 27 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી છે. જેના કારણે 26 કે 27 જૂનથી રાજ્યમાં સારો વરસાદ વરસશે. 30 જૂન સુધીમાં રાજ્યનાં 95 ટકા વિસ્તારોમાં વરસાદ વરસી જશે. જુલાઇ મહિનામાં રાજ્યમાં વરસાદી હેલી જામવાની આગાહી પણ તેમણે કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં અને તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.
ભાવનગર શહેરમાં સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે. રવિવાર સવારથી કાળા ડિંબાગ વાદળો ઘેરાયા હતા અને અચાનક જ ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મહેર વરસી હતી. મહુવાના મોટી જાગધાર ગામે વરસાદી માહોલમાં વીજળી પડતા બે લોકોના મોત નિપજયા છે. મનરેગા રાહતના કામગીરી કરતા મજૂરો પર વીજળી પડી હતી. અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છેલ્લા 11 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. જ્યારે આજે પણ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.