સાબીર ભાભોર, દાહોદ : જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના એક ગામમાં ત્રણ યુવકોના મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં હાહાકાર મચી ગયો છે. પરિવારજનોએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. એક જ વિસ્તારના ત્રણ જવાનજોધ યુવાનોના મૃતદેહ મળતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. હાલમાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારીયા તાલુકાના ડાંગરિયા ગામના સીમાડે રોડ નજીકથી આજે વહેલી સવારે ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. ત્રણે યુવાનો એક જ વિસ્તારના હોવાથી ત્રણેના પરિવારના આક્રંદથી લોકોના આંખમાં પણ આવી ગયા હતા. હાલમાં પોલીસે ત્રણેના મૃતદેહને પીએમ માટે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, આજે વહેલી સવારે ડાંગરિયા ગામમાં રોડના કિનારે એક ઝાડ નીચેથી ત્રણ યુવાનોના મૃતદેહ કોઈ સ્થાનિક જોતા, તેણે તુરંત પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, સાથે યુવાનોના પરિવારજનો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. આ મામલે પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યા છે. આ મામલે પરિવારજનોનો આક્ષેપ છે કે, યુવાનોની હત્યા થઈ છે.
પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૃતકોમાં (1) અકબર સતાર પટેલ (પટેલ ફળિયુ, ઉંમર 25), યુસુફ અયુબ કમાલ શુક્લા (કાપડી,ફાટક ફળિયા, ઉંમર 21) અને (3) સમીર યાકુબ જેથરા (ઉંમર 21,પીંજારા ફળિયુ) હોવાનું સામે આવ્યું છે. પોલીસને શંકા છે કે, ત્રણે યુવાનોના રાત્રે જ મોત નિપજ્યા છે. હવે પ્રશ્ન એ છે કે, યુવાનોને કોઈ અકસ્માત નડ્યો કે, પછી તેમની હત્યા કરવામાં આવી? પોલીસ આ મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ તપાસની દીશા નક્કી કરશે. હાલમાં પોલાસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.