દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં વતની ઉમેશ નલવાયા ઉપર ગત સપ્ટેમબર માસમાં દાહોદ તાલુકાની એક યુવતીને અપહરણ કરી લઈ જી અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાહોદ રૂરલ પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના સમયે આરોપી ઉમેશ નલવાયા વડોદરા ખાતે PSI તરીકે ફરજ ઉપર હતા. જેના વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
હાલમાં અપહરણ- દુષ્કર્મના ગુનામાં દાહોદ સબજેલમાં સજા ભોગવી રહેલા PSI ઉમેશ નલવાયાએ ફરિયાદી મહિલાને ફોન દ્રારા ધાક ધમકી આપવાનું શરૂ કરતાં મહિલાએ ફરી પોલીસ ફરિયાદ નોધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસની ટેકનિકલ ટીમે મહિલાએ જણાવેલા નંબરોની તપાસ કરતાં આ નંબર દાહોદની સબજેલમાં જ વપરાયો હોવાનું ખૂલ્યું હતું.
આ સિવાય તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, આરોપી ઉમેશ નલવાયાના મિત્રએ ચા-નાસ્તો આપવાની સાથે જેલમાં સીમકાર્ડ અને મોબાઈલ પહોંચાડ્યો હોવાની હકીકતો બહાર આવતા પોલીસે સીમકાર્ડ પહોંચાડનાર યુવકની ધરપકડ કરી જેલમાં બંધ આરોપી ઉમેશ નલવાયા, સીમકાર્ડ પહોંચાડનાર મિત્ર અને જે યુવક નામ ઉપર સીમકાર્ડ રજીસ્ટર્ડ થયું છે એ ત્રણે વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.