

દાહોદ : લૉકડાઉન (Lockdown Third Phase)vનો ત્રીજો તબક્કો ચોથી મેના રોજ અમલી બનશે ત્યારે કેન્દ્ર સરકાર (Central Government) તરફથી રાજ્ય સરકારોને પરપ્રાંતીય મજૂરો (Migrant Workers)ને તેમને વતન પહોંચાડવા માટે વ્યવસ્થા ગોઠવવાનો આદેશ કર્યો છે. આ અનુસંધાને ગુજરાત સરકાર (Gujarat Government) પ્રરપ્રાંતીય મજૂરોની નોંધણી કરીને તેમને વતન જવાની વ્યવસ્થા કરી રહી છે. આ માટે સુરત અને અમદાવાદથી ખાસ ટ્રેન (Special Train for Migrants) પણ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન અનેક પરપ્રાંતીયો રોડ મારફતે બોર્ડર ક્રોસ કરવા માટે પહોંચી ગયા છે. તંત્ર તરફથી આ લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. શનિવારે ગુજરાત મધ્ય પ્રદેશની સરહદને જોડતી ખગેલા બોર્ડર ખાતે આવા 400થી વધારે કામદારોએ હંગામો મચાવ્યો હતો. આ લોકો સુરત તેમજ અન્ય શહેરમાંથી ઉત્તર પ્રદેશ જઈ રહ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશ જવાની મંજૂરી આપવામાં આવી ન હોવાથી તમામને અટકાવી દેવામાં આવ્યા છે.


હાલ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની બોર્ડર સીલ છે. આ માટે તેમને અહીં જ અટકાવી દેવામાં આવ્યા હતા. અહીં ભઠવાડા ટોલનાકા પાસે 400 મજૂરો અટવાયા છે. જે બાદમાં મજૂરોએ આક્રોશ ઠાલવતા રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. આ લોકોની માંગણી હતી કે ઉત્તર પ્રદેશ સરકાર તેમને લઈ જવા માટેની સત્વરે વ્યવસ્થા કરે.


મળતી માહિતી પ્રમાણે ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે સંકલનના અભાવને પગલે મજૂરો અટવાયા છે. ખગેલા બોર્ડર પર સવારથી જ લોકો ચાલતા, સાઇકલ કે વાહન પર સાવાર થઈને પહોંચી રહ્યા હતા. બીજી તરફ સરહદ પર જે લોકોને મંજૂરી મળી હતી તેમને જ અંદર લેવામાં આવતા હતા. આથી બાકી રહેલા મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. થોડીવાર માટે કામદારોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો.


જોકે, આ દરમિયાન પોલીસની સમજાવટથી તમામ લોકો રસ્તા પરથી હટી ગયા હતા. આમ છતાં આ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની માંગણી છે કે ઉત્તર પ્રદેશ સરકાર બહુ ઝડપથી તેમને અહીંથી લઈ જાય. બોર્ડર ખાતે મજૂરો પોતાના સામાન સાથે જોવા મળ્યા હતા.