

શાબીર ભાભોર, દાહોદ : રાજ્યમાં દારૂબંધી કાગળ પર કાયદો છે. આ કાયદાના કારણે બૂટલેગરો ખાનગી રાહે દારૂ લાવતા હોય છે અને તેનું વેચાણ પણ થાય છે. જોકે, પોલીસ અવારનવાર દારૂ ઝડપી પાડે છે તેમ છતાં દરેક વખતે નવા નવા રસ્તે બૂટલેગરો માલ લાવતા હોય છે. દરમિયાન દાહોદ જિલ્લાના ગરબાડા નજીક ગઈકાલે રાત્રે એક અકસ્માતમાં દારૂભેરલું પીકઅપ ડાલું પલ્ટી ગયું હતું.


મોડી રાત્રે પીકઅપ ડાલાના અકસ્માતના પગલે આગ ભભૂકી ઉઠી હતી. પીકઅપ ડાલામાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે, આગના પગલે પીકઅપ ડાલામાં ભરેલો જથ્થો બળીને ખાક થઈ ગયો છે.


બનાવની વિગત એવી છે કે ગઈકાલે ગરબાડાના ખાણનદી પુલ પાસે એક પીકઅપ ડાલાનો અકસ્માત થયો હોવાનો મેસેજ મળતા પોલીસ દોડી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા પીકઅપ ડાલામાં આગ લાગેલી માલુમ પડી હતી.


જોકે, આ પીકઅપ ડાલું દારૂ અને બીયરના જથ્થાથી ઠસોઠસ ભર્યુ હતુ અને તે પલ્ટી જતા આગની ઘટના બની હતી. આગ લાગતા જ જ્વાળાઓમાં ડાલું આખું લપેટાઈ ગયું હતું અને જોતજોતામાં ભડભડ આગ બેકાબૂ બની હતી.


દરમિયાન આગના બનાવને પગલે દાહોદ અગ્નિશમન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જેથી ગેરકાયગદેસર રીતે લવાતા દારૂના જથ્થાના કારણે લાગેલી આગને બુઝાવવા માટે દાહોદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દાદોદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ ઘટના બાદ પણ દારૂ-બીયરના ટીનના અવશેષો જોવા મળ્યા હતા. ગરબાડા પોલીસ સમગ્ર મામલે કાયદેસરની કાર્યાવાહી કરી અને આગળની તપાસ શરૂ કરી છે પરંતુ આ ઘટના પણ રાજ્યમાં કાગળ પર લદાયેલી દારૂબંધીના નામે એક તમાચો છે.