

દાહોદ: દેવગઢ બારીયાના તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને એક સગીરને માર મારવાના કેસમાં ત્રણ વર્ષની સજા પડી છે. જે.બી.ગઢવીને આ મામલે ત્રણ વર્ષની સજા દેવગઢ બારીયા કાર્ટે ફટકારી છે. આ કેસ 2006ના વર્ષનો છે. આ સમયે જે.બી. ગઢવી દેવગઢબારીયાના PSI તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ જૂનગઢ ખાતે DySP તરીકે ફરજ બજાવી રહ્યા છે. કોર્ટે ડીવાયએસપીને સજા ફટકારતા આ મામલો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.


સગીરને માર મારવાના કેસમાં સજા : ડીવાયએસપીને જે કેસમાં સજા મળી છે તે કેસ 2006ના વર્ષનો છે. જેમાં તેમણે PSI તરીકે ફરજ દરમિયાન એક સગીરની ગેરકાયદે રીતે અટકાયત કરી હતી. જે બાદમાં તેને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ તેઓ જૂનગાઢના કેશોદ ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.


કેસની વિગત જોઈએ તો 13મી ડિસેમ્બર, 2006ના રોજ દેવગઢ બારીયાના તત્કાલિન પીએસઆઈ ગઢવીએ બૈણા ગામના એક યુવક સરજનકુમાર પસાયાની ગેરકાયદે રીતે અટકાયત કરી હતી. જે બાદમાં યુવકને દંડાથી માર મારવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ યુવક સગીર હોવાનું માલુમ પડ્યું હતું.