

દાહોદ : દાહોદ ભાજપ યુવા મોરચાનો મહામંત્રી બાદલ પંચાલ (Badal Panchal) તેની પરિણીત પ્રેમિકા (Lover) સાથે રંગરેલિયા મનાવતા ઝડયાપો છે. બાદલ પંચાલ તેની પરિણીત પ્રેમિકાના ઘરે પહોચ્યો હતો. જે બાદમાં પ્રેમિકાનો પતિ આવી ગયા બાદ તેણે બહારથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને પોલીસ (Dahot Police)ને જાણ કરી હતી. પકડાયા બાદ ભાજપના યુવા મોરચાના મહામંત્રીએ તેની પ્રેમિકાના પતિ (Husband)ને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


જીવથી મારી નાખવાની ધમકી : આ અંગે મળતી માહિતી પ્રમાણે બાદલ પંચાલ તેની પ્રેમિકા ઘરે એકલી હોવાથી તેને મળવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન મહિલાનો પતિ આવી ગયો હતો. જે બાદમાં મહિલાના પતિએ ચોકીદારને કહીને ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને બૂમાબૂમ કરી હતી. આ દરમિયાન બાદલ પંચાલે ઘરનો દરવાજો ખોલવા માટે ધમપછાડા કર્યા હતા. એટલું જ નહીં ઘરનો દરવાજો નહીં ખોલે તો જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.


પતિને પહેલાથી જ પત્ની પર શંકા હતી : આ મામલે મહિલાના પતિએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેની પત્નીને કોઈ પુરુષ સાથે ચાર-છ મહિનાથી સંબંધ હોય તેવી તેને આશંકા હતી. ગુરુવારે મહિલાના પતિએ જેસાવાડા ખાતે આવેલા પોતાની દુકાને જવાનો ઇન્કાર કર્યો હતો. જોકે, પત્નીએ દુકાને જવા માટે ખૂબ દબાણ કરતા તેને શંકા ગઈ હતી. આથી દુકાને જતા પહેલા એપાર્ટમેન્ટના ચોકીદારને તે કહીનો ગો હતો કે કોઈ અજાણ્યો વ્યક્તિ નજરે પડે તો મને ફોન કરવો. મહિલાનો પતિ દુકાને પહોંચતા જ ચોકીદારનો ફોન આવ્યો હતો કે કોઈ અજાણ્યો વ્યક્તિ ગાડી લઈને તમારા ઘરે આવ્યો છે. આથી મહિલાના પતિએ ચોકીદારને ઘરને બહારથી તાળું મારી દેવાનું કહ્યું હતું.


પ્રેમિકાના પતિને આપી ધમકી : મહિલાનો પતિ આવી ગયાની જાણ થયા બાદ બાદલ પંચાલે તાળું ખોલવાની ધમકી આપી હતી. બાદલ પંચાલે પ્રેમિકાના પતિને કહ્યું હતું કે, "હું ભાજપનો કાર્યકર્તા છું, તું દરવાજો નહીં ખોલે તો હું તને જેસાવાડા આવતા જતાં રસ્તામાં મરાવી દઈશ, તું મને ઓળખતો નથી, મારૂ બેકગ્રાઉન્ડ શું છે, તે તને ખબર નથી."


મહિલાના પતિએ સ્વજનોને બોલાવી લીધા : બાદલ પંચાલની ધમકી આગળ ન ઝૂકતા મહિલાના પતિએ ઘરનું તાળું ખોલ્યું ન હતું. બીજી તરફ મહિલાના પતિએ સ્થાનિક આગેવાનો તેમજ તેના સ્વજનોને બોલાવી લીધા હતા. બીજી તરફ પોલીને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં તાળું ખોલવામાં આવ્યું હતું. જે બાદમાં પોલીસે બાદલ પંચાલની અટકાયત કરી હતી. આ મામલે મહિલાના પતિએ બાદલ પંચાલ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


બાદલ પંચાલની અટકાયતની માહિતી મળતા જ ભાજપના અગ્રણીઓ પોલીસ મથક પહોંચી ગયા હતા અને તેને છોડાવવા માટે ધમપછાડા કર્યા હતા.