દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલ જિલ્લો છે ત્યારે મધ્યપ્રદેશની ચોર લુટારાની કેટલીક ગેંગ દાહોદ જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ચોરી, લૂટ ધાડ જેવા ગુનાઓ કરી દાહોદની સરહદમાંથી અંતરિયાળ રસ્તા મારફતે મધ્યપ્રદેશ તરફ પલાયન થઈ જતાં હોય છે. ત્યારે મધ્યપ્રદેશની આવી જ એક બાઈકચોર ગેંગનો પર્દાફાશ દાહોદ ટાઉન પોલીસે કર્યો છે. 11 સભ્યોની ગેંગમાંથી ચારની ધરપકડ થઈ જ્યારે 6 આરોપીઓ ફરાર પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસની જ બે બાઈક સાથે મળી 11 બાઈક અને એક બોલેરો પણ કબ્જે લેવાઈ છે.
દાહોદ ટાઉન પોલીસ મથકે અલગ અલગ સમયે બાઈકચોરીની ફરિયાદને પગલે બાઈકચોર ગેંગને ઝડપી લેવા ટાઉન પોલીસ એક્શનમાં આવી હતી. અલગ અલગ ટીમો બનાવી બાઈકચોરોનું પગેરું મેળવવા માટે પોલીસ સક્રિય બની હતી. જે તપાસનો રેલો પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ સુધી પહોચ્યો હતો અને મધ્યપ્રદેશની બાઈકચોર ગેંગના સભ્યો દાહોદ આવવાના હોવાની બાતમીને આધારે દાહોદ પોલીસ વોચમાં હતી.