છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના (Nasvadi) કુકરદા સરકારી મધ્યામિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળેફાંસો ખાઇને આપઘાત (Government school principal commits suicide) કરતા ચકચાર મચી ગઇ છે. નસવાડી પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ (Suicide note) પણ કબજે કરી છે. મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, તેણી કોઈના દબાણમાં આવ્યા વગર જાતે જ આપઘાત કરે છે. છેલ્લા કેટલાક મહિલાઓથી તેણીની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ મહિલાએ તમામ લોકોની માફી પણ માંગી છે. પત્રમાં પતિને સંબોધીને લખાયું છે કે, બંને બાળકોને સાચવજો. મહિલાએ લખેલી સુસાઇડ નોટના અંશો..
મારી માનસિક સ્થિત ખરાબ: ‘હું ડામોર ભાવનાબેન હોશમાં રહીને આ ચિઠ્ઠી લખું છું. મારી મોત પાછળ હું પોતે જવાબદાર છું. છેલ્લા કેટલાય મહિનાથી મારી માનસિક સ્થિતિ બહુ જ ખરાબ છે. મારા વિચારો મારા કન્ટ્રોલમાં જ નથી રહેતા. હું હારી ગઈ છું. મેં ઘણી હિંમત કરી આગળ વધવા માટે પણ મારું મગજ એવું ગાડું થઈ ગયું છે કે મને મરવાની પરિસ્થિતિમાંથી બહાર જ નીકળવા નથી દેતું."
અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ: "ભગવાને મને બધુ જ આપ્યું છે. હું તેમનો આભાર માનું છું. મારો જીવ મારા બે બાળકોમાં અને પતિમાં રહેશે. મારા પતિએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. મને વિશ્વાસ છે કે મારા ગયા પછી મારા પતિ મારા બાળકોને દુઃખ નહીં પડવા દે. તે એમનું મારા કરતાં પણ ખૂબ સરસ રીતે ધ્યાન રાખે છે અને રાખશે. હું સૌ કોઈની માફી માગું છું."
મારાથી આવું પગલું ભરાઈ જવાનું છે: "હું મારા પપ્પાનું અભિમાન હતી પણ સોરી પપ્પા, મને માફ કરજો. મારી પરિસ્થિતિ એટલી ખરાબ કે હું મારી લાગણીને શબ્દોમાં લખી પણ નથી શકતી. મારો અનુભવ કહું છું કે મરવાનું પણ સહેલું નથી. મારી સાસરીમાં મારે કોઈ દુઃખ નથી બધા મને સારી રીતે ખૂબ સાચવે છે. કોણ મા પોતાના બાળકોને મૂકી મરી જાય પણ મારાથી આ પગલું ભરાઈ જવાનું છે."
ક્યાં સુધી આવી રીતે જીવવાનું: "ભગવાનને મને ઉપર જઈને જે સજા આપવી હશે તે આપશે. આમ પણ હું ડાયાબિટીસ પેશન્ટ હોવાથી રોજ ચાર ઇન્જેક્શન લઉં છું ત્યારે તો જીવી રહી છું. કયાં સુધી આમ જીવવાનું હતું. મારા વ્હાલા મિત્રો અને સ્નેહીજનો પણ મારી ઓચિંતી વિદાય સ્વીકારશે નહીં પણ હું બધાની માફી માગું છું. શાળાના બધાં કાગળ બેગમાં હશે. સાથી શિક્ષક મિત્રોને પણ કહ્યું છે કે મને માફ કરજો. આ રીતે અડધામાં મારી કામગીરી અધૂરી મૂકીને જઉં છું."
શું હતો બનાવ?: અરવલ્લી જિલ્લાના માલપુર (Malpur)ના રહેવાસી ભાવનાબેન ડામોર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળામાં પ્રિન્સિપાલ (School principal) તરીકે ફરજ બજાવતા હતા અને પતિ અને બે બાળકો સાથે રહેતા હતા. બુધવારે ભાવનાબેન ડામોરે (Bhavnaben Damor) આજે સવારે શાળાના શૌચાલયમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ સ્કૂલના શિક્ષકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને પોલીસ અને મહિલાના પરિવારજનોને જાણ કરી હતી. નસવાડી પોલીસે ઘટના સ્થળે દોડી જઇને નસવાડી પોલીસે મૃતદેહ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ કબજે કરી હતી.
મહિલાના વોટ્સએપમાં સવારે 10: 25નું તેમનું લાસ્ટ સીન બતાવે છે. આત્મહત્યા કરનાર મહિલાના લગ્ન 10 વર્ષ પહેલા જયદીપ ડામોર સાથે થયા હતા અને છેલ્લા 4 વર્ષ કુકરદા ગામમાં જ રહેતા હતા. મહિલાએ સવારે 9:25 વાગ્યે બે સગાના જન્મદિવસ હોવાથી શુભેચ્છા પાઠવી હતી અને વોટ્સએપમાં સવારે 10:25 વાગ્યાનું તેમનું લાસ્ટ સીન બતાવે છે. પતિ કહે છે કે ચાર મહિનાથી પ્રિન્સિપાલ બન્યા બાદ તેની પત્ની સ્ટ્રેસમાં રહેતી હતી.