છોટાઉદેપુરઃ બોડેલીમાં સરકારી હોસ્પિટલના તંત્રની લાપરવાહીનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક આદિવાસી પરિવારને હોસ્પિટલમાં સારવાર આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. જે બાદમાં મહિલાએ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ મૃત બાળકને જન્મ આપ્યો હતો. કોઈએ આ અંગેનો વીડિયો મોબાઇલમાં કેદ કરી લીધી હતો. બનાવ સામે આવ્યા બાદ જવાબદાર ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે.
હોસ્પિટલમાં દાખલ કરવાનો ઈન્કાર કર્યા બાદ મહિલા પરિવાર સાથે ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં જ પ્રસુતિની પીડા ઉપડી હતી. મહિલા દવાખાનાની અંદર પહોંચે તે પહેલા જ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પ્રસુતિ થઈ ગઈ હતી. આ ઘટના અહીં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી. મહિલાએ જે બાળકને જન્મ આપ્યો હતો તે મૃત હાલતમાં હતું.