આ જીલ્લામાં એક ગામ એવું છે કે જેની નજીકથી ઉચ્છ નદી પસાર થાય છે. ગામ લોકોને બે કિમીનાં અંતરે સંખેડા આવવું હોય તો તેમને 15 કિમીનો ફેરો લગાવવો પડે છે. સંખેડા પહોચવા માટેના ટૂંકા માર્ગ માટે નદી પર નાનો પૂલ બનાવવાની ગામ લોકોએ વર્ષોથી રજુઆત કરી હતી. પરંતુ તેમની માંગણીને કોઇ સાંભળનારૂં મળ્યું નહીં અને તેમણે જાતે જ સ્વખર્ચે અને જાત મહેનતે નદી પર રસ્તો બનાવી દીધો છે.
આ ગામથી સંખેડા તાલુકો બે જ કિમી દૂર છે પરંતુ જાપા, ખડુંપૂરા , સેરપુર, સરર્સીંડા, વેજલઇ ગામના લોકોને સંખેડા જવું હોય તો 15 કિમીનો ફેરો લગાવવો પડે છે . નદીના સામે કિનારે જવું હોય તો નદીનાં ઊંડા ઢાળને લઈ કોઈ બસ સુવિધા કે ખાનગી વાહનો જઇ સકતા નથી. તેમણે પગપાળા જ સામે કિનારે જવું પડે છે અને ખાસ કરીને ચોમાસામાં કીચડ અને નદીનાં પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે. ગામ લોકોએ વારંવાર તંત્રમાં રજૂઆતો કરી છે પણ નેતાઓને આ ગામોની કંઈ પડી જ ન હોય તેમ લાગી રહ્યું છે. ગામ લોકોનું કહેવું છે કે નેતાઓ ફક્ત ચૂંટણી સમયે આવે છે અને મોટા વાયદા અને લાલચ આપી વોટ લઈને ચાલતી પકડે છે.
ગામમાં કોઈ બીમાર પડે તો તેમણે 108 જેવી સુવિધાનો લાભ મળતો નથી. તેમાં પણ પ્રસૂતા મહિલાઓને સંખેડા લઇ જવામાં ઘણી મુશ્કેલી થાય છે. આ ઉપરાંત ગામડાઓનાં બાળકો માટે શિક્ષણનો એક મોટો સવાલ છે. ગામમાં 1થી પાંચ ધોરણની શાળા છે પરંતુ વધારે અભ્યાસ માટે બાળકને ધોરણ છ પછી સામે આવેલા સંખેડા જવુ પડે છે. ચોમાસાનાં સમયે નદી માં કેડ સુધી પાણી હોય તો વાલીઓ જીવના જોખમે સામે કિનારે પોતાના બાળકોને મૂકી આવે છે. જ્યારે નદી બે કાંઠે થાય તો બાળકોને 15 કિમી સુધી લઈ જતું કોઈ સાધન મળતું નથી તેથી તેમનો અભ્યાસ પણ બગડે છે.