સેહજબ ખત્રી, છોટાઉદેપુર : તાલુકાના દમોલી ગામ પાસે ડબલ મર્ડરનો બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રંગપુર સઢલી ગામના બે પિતરાઈ ભાઈ લગ્નમાં જવા બાઈક લઈ નીકળ્યા હતા, પરંતુ પરિવારને તેમના મોતના સમાચાર મળતા પુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બેને ભાઈની હત્યા કરી હાઇવેની બાજુના ખાડામા નાખી દઇ હત્યારાઓ હાલ તો ફરાર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રંગપુર ગામના બે પિતરાઈ ભાઈ શૈલેશ રાઠવા (ઉ. 21) અને દિપક રાઠવા ઉ. 20 કે જેઓ ઉત્તરાયણનો પર્વ ઉજવવા અમદાવાદથી પોતાના વતન ખાતે આવ્યા હતા. ગઈ કાલે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે સબંધીને ત્યાં લગ્ન હોઈ તેઓ રાત્રિના સમયે પોતાની બાઈક સાથે લગ્નપસંગે નીકળ્યા હતા, પરંતું આજે વહેલી સવારે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ હાઇવે પર આવેલા દમોલી ગામ પાસે હાઇવેની નજીકમા આવેલ ખાડા મા બે પિતરાઈ ભાઈઓના મૃતદેહ પડયા હતા. તેમના માથાના ભાગમાં તિક્ષણ હથિયાર વડે માર મરાયો હોઇ તેવું લાગી રહ્યું હતું. જે બાઈક લઇને નિકલ્યા હતા તેના સ્પેરપાર્ટ પણ અલગ અલગ જગ્યાએ પડયા હતા, અને બાઈક મૃતદેહથી લગભગ 100 ફુટની અંતર પર પડેલ હતી.
પોલીસને જાણ થતા જ પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પહેલી નજરે અકસ્માતમા બે યુવકોના મોત થયા હોવાનું પોલીસને લાગ્યું હતું. પરંતુ, માથાના ભાગમા જે ઇજાઓ થઈ હતી, તો બીજી બાજુ મૃતદેહ જ્યાં પડયા હતા તેનાથી 100 ફુટ દૂર બાઈક પડી હતી. જો રોડ પર અકસ્માત થયો હોય તો બાઈક જ્યા પડી હતી ત્યાં નજીકમાં બાઈક ઘસડાવાના કોઈ નિશાન પોલીસને નજરે પડ્યા ના હતા, અને જે બાઈકના સપેરપાર્ટ પડેલ હતા તે જાણે ગોઠવીને મૂક્યા હોઈ તેમ લાગી રહ્યું હતું. આ તમામ બાબતે ઝીણવટ ભરી રીતે જોતાં સામે આવ્યું કે આ બંને યુવકોની હત્યા કરવામાં આવી છે.
રંગપુર સઢલી ગામના બે પિતરાઈ ભાઈઓની ઓળખ થઈ જતા તેમના પરિવારને જાણ કરાતા પરિવારના સભ્યો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પરિવારનું આક્રંદ અને આક્રોશ ભલભલાના દિલને હચમચાવી દીધા હતા. પરિવારજનોનું કહેવું હતું કે, આ કોઈ અકસ્માત નથી પણ તેમના દીકરાઓની હત્યા કરવામાં આવી છે, તેવા પણ તેઓએ આક્ષેપ કર્યા હતા કે તેમના દીકરાઓને પારિયાના ઘા મારી મારી નાખવામાં આવ્યા છે. પરિવારના લોકો માંગ કરી રહયા છે કે, પોલીસ સધન તપાસ કરે.