સેહજબ ખત્રી, છોટાઉદેપુર : બોડેલી તાલુકાના જોગપુરા ગોવિંદપુરા વિસ્તારમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડાં પડી જતાં સિંચાઇનું પાણી કોતરોમાં વહી જતું હતું. આ બાબતે તંત્રમાં વારંવારની રજૂઆતો કરવામાં આવી પણ તેમની વાત ધ્યાને ના લેવાતા ખેડૂતોએ જાતમહેનતે વેડફાઇ જતું પાણી અધિકારીઑ અને તંત્રની મદદ વગર પોતાના ખેતર સુધી લઈ જઇ તેમના પાકને બચાવી લીધો છે.
બોડેલી તાલુકાના કેટલાક એવા વિસ્તારો છે જે વિસ્તારોમાં જળ સ્તર નીચે જતાં રહેતા ખેડૂતોને ખેતી કરવા માટે નર્મદા નિગમના સિંચાઇના પાણી પર જ આધાર રાખવો પડે છે. નર્મદા નિગમ દ્રારા આ વિસ્તારોમાં વર્ષો પહેલા માઇનોર કેનાલો બનાવી ખેડૂતના ખેતર સુધી સિંચાઇનું પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ નર્મદા નિગમના અધિકારી દ્રારા માઇનોર કેનલોમાં પડેલ ભંગણોની મરામત ના કરાતાં હવે ખેડૂતના ખેતર સુધી પાણી ના પહોંચતા કોતરોમાં વહી જતું હતું, જેથી ખેડૂતોને સિંચાઇનો લાભ મળતો ના હતો.
માલ સુકાતા ખેડૂતોને આખા વર્ષ દરમિયાન જે નુકશાની વેઠી તે ફરીથી વેઠવાનો વારો આવશે તે બાબતની ચિંતા સતાવવા લાગી. નર્મદા નિગમ દ્રારા પાણી તો છોડવામાં આવી રહ્યું છે, પણ એજ પાણી કોતરોમાં વહી જતું હોય એ પાણી પોતાના ખેતર સુધી કેમ આવે તે માટે આસપાસના ખેડૂતોએ ભેગા મળી કોઈક રસ્તો કાઢવાનું વિચાર્યુ. સ્વભંડોળ ભેગું કરી સાફસફાઇ અને મરામત કરવાનું નક્કી થતાં ખેડૂતો કામે લાગી ગયા, અને પોતાનો પાક સુકાઈ જાય તે પહેલા જ નર્મદા નિગમની માઇનોર કેનાલમાં પડેલ ભંગાણની મરામત કરી તો કેટલાક યુવકોએ કેનાલના કૂવા વચ્ચે લાકડાનો બ્રિજ બનાવી તેની ઉપરથી પાઇપ લાઇન પસાર કરી સામે કિનારાના ખેતર સુધી પાણી પહોંચાડી દીધું.
વર્ષો જૂની થયેલ કેનલોમાં ઠેર ઠેર ગાબડાં પડી તીરડો પડી ગઈ છે, જેની રજૂઆતો ખેડૂતોએ વારંવાર કરી. સુકાઈ જઈ રહેલા પાકની ફિકર તો અધિકારીઑએ ના કરી પણ ખેડૂતોએ જ જાત મહેનત કરી પોતાના ખર્ચે સાફસફાઇ અને રિપેરિંગ કરી બે કૂવા વચ્ચેથી પાઇપ પસાર કરી સામે કિનારે આવેલા પોતાના ખેતરોમાંનો પાક બચાવી ખેડૂતોએ આત્મ નિર્ભર બની પોતાના પાકને બચાવી લીધો.