છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં ગુરુવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં મુંબઈની મોડેલ એશ્રા પટેલ (Aeshra Patel accident) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. બોડેલી (Bodeli) નજીક સૂર્યઘાડા પાસે આ અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે એશ્રા પટેલ છોટાઉદેપુરથી કાવિઠા ગામ (Kavitha Village) ખાતે જઈ રહી હતી. આ દરમિયાન તેની કારની ટક્કર અન્ય કાર સાથે થઈ ગઈ હતી. એશ્રા પટેલને હાથ અને પગલમાં ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ગત ગ્રામ પંચાયતોની ચૂંટણી વખતે એશ્રા પટેલે કાવિઠા ગ્રામ પંચાયતમાંથી સરપંચના પદ માટે ચૂંટણી લડી હતી. આ વખતે તેણી ખૂબ ચર્ચામાં આવી હતી.
સરપંચની ચૂંટણીમાં એશ્રા પટેલની હાર: ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી 10,000 કરતા વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી વખતે મોડેલ એશ્રા પટેલ ચર્ચામાં આવી હતી. એશ્રા પટેલ છોટાઉદેપુરના કાવિઠા ગામની વતની છે. એશ્રાએ પણ કાવિઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, સરપંચની ચૂંટણીમાં તેણીએ હારનો સામનો કરવો પડ્યો હતો.