

સહેજબ ખત્રી, રાજેશ જોષી : ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં 8થી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. છોટા ઉદેપુરનાં કવાંટ તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ થતા ગામ લોકોમાં ખુશીનો માહોલ છે. અહીં એક જ રાતમાં 10 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સાંબેલાધાર વરસાદને પગલે હેરણ નદીમા પુર આવ્યું છે. જેના કારણે કાંઠાનાં ગામોમાં પાણી ભરાયા છે.


પંચમહાલનાં ગોધરામાં પણ મેઘરાજાની સવારી આવી છે. ગઈકાલે શહેરમાં ભારે ઉકળાટનું વાતાવરણ સર્જાયું હતું. ત્રણ ચાર દિવસથી સમયાંતરે છૂટોછવાયો આગમન છે. આજે સવારે 6 વાગ્યા બાદ હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ક્યારેક હળવા તો ક્યારેક ભારે ઝાપટા સાથે વરસદા વરસી રહ્યો છે.


કવાંટ, ગોધરા ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ ઝરમર વરસાદ વરસદી રહ્યો છે. આ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાનની વાત કરીએ તો આહવામાં 19 મિમી, વઘઇમાં 34 મિમી, સુબિરમાં 18 મિમી, સાપુતારામાં 29 મિમી વરસાદ ખાબક્યો છે.


આગામી 8થી 10 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મોટા ભાગે સુરત, ડાંગ, નવસારી, વલસાજ, તાપી, દમણમાં 9 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.