

છોટાઉદેપુર : અમદાવાદની શ્રેય હૉસ્પિટલ (Shrey Hospital) અને આંધ્રપ્રદેશના વિજયવાડાની કોવિડ હોટલ (Covid Hospital)માં લાગેલી આગ હજી ઠરી નથી ત્યારે છોટાઉદેપુરના બોડેલી (Bodeli) ખાતે આવેલી કોવિડ 19 હૉસ્પિટલ (Covid 19 Hospital)માં આગની ઘટના સામે આવી છે. આ આગ સોર્ટ-સક્રિટને કારણે લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આગને કારણે હૉસ્પિટલ ખાતે અફડાતફડી મચી ગઈ હતી. વહેલી સવારે આ આગ લાગી હતી.


મળતી માહિતી પ્રમાણે બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલને કોવિડ હૉસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં તાલુકાના પોઝિટિવ દર્દીઓને રિફર કરવામાં આવે છે. અહીં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. બુધવારે વહેલી સવારે કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ હતા ત્યારે એક રૂમમાં સોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જે બાદમાં દર્દીઓને એ રૂમમાંથી બીજા રૂમમાં ખસેડવામાં આવ્યા હતા.


સોર્ટ સર્કિટથી લાગેલી આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવ્યા બાદ મોટી દુર્ઘટના ટળી હતી. જે બાદમાં હૉસ્પિટલના કર્મચારીઓએ પણ રાહતનો સ્વાસ લીધો હતો. બીજી તરફ આગની જાણ થતાં હૉસ્પિટલના ટ્રસ્ટીઓ પણ દોડી આવ્યા હતા. હવે અહીં સારવાર હેઠળ દર્દીઓને છોટાઉદેપુર ખાતે ખસેડવામાં આવશે.


નોંધનીય છે કે ગત અઠવાડિયે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગને કારણે કોરોનાનાં 8 દર્દીઓનાં મોત થયા હતા. આગ આઈસીયૂમાં લાગી હતી. આગની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત હૉસ્પિટલના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે કોવિડ હૉસ્પિટલમાં બદલવામાં આવેલી એક હોટલમાં આગ લાગી હતી. આગને કારણે અહીં 11 કોરોનાં દર્દીનાં મોત થયા હતા