છોટાઉદેપુર: ગુજરાત સહિત દેશભરમાંથી અનેક લોકો પોતાનું કરિયર બનાવવા માટે વિદેશ જવાનું પસંદ કરે છે. જેમાંથી કેટલાક તો ત્યાં જ સ્થાયી થઈ જતા હોય છે. પરંતુ પોતાના વતનને ક્યારેય ભૂલી શકતા નથી. આપણે અનેકવાર દેશી વરરાજા અને વિદેશી દુલ્હનના કિસ્સા જોયા છે. આજે તમને એવી જ એક 25 વર્ષ જૂની લવસ્ટોરી બતાવી રહ્યા છે.
વાત છે છોડાઉદેપુરના બોડેલીના વતની નીતિનભાઈની. 25 વર્ષ પહેલાં પોતાનું વતન છોડી અમેરિકા સ્થાયી થયેલા બોડેલીના નીતિન પટેલની લવસ્ટોરીએ લોકોના દીલ જીતી લીધા. 1996માં કમાણી કરવા બોડેલીથી અમેરિકા પહોંચી ગયા. જ્યાં એક ગોરી મેમ સાથે આંખો મળી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. આજે લગ્નની 25મી વર્ષગાંઠની સિલ્વર જ્યુબીલી મનાવવા માટે પોતાના સમગ્ર પરિવાર તેમજ મિત્રો સાથે બોડેલીમાં વરઘોડો કાઢ્યો હતો. જે જોઈ બોડેલીના સ્થાનિકો પણ ઝૂમી ઉઠ્યા હતા.
હાથી-ઘોડા અને બગીમાં ધૂમધામથી નીકળ્યો વરઘોડો પોતાની 25 વર્ષની વર્ષગાંઠ અમેરિકામાં પણ સેલિબ્રેટ કર્યા બાદ નીતિનભાઈના પરિવારે અચાનક બોડેલીમાં પણ આ વર્ષગાંઠની ઉજવણી કરવાની ઈચ્છા દર્શાવી. આ વાત સાંભળી નીતિનભાઈએ તેમની પત્નીને પણ કહ્યું કે, આપણે મારા વતનમાં જઈને પણ મનાવીએ તો...ગોરી મેમ પણ પતિની વાતથી ખુશ થઈ અને પરિવારના અન્ય સભ્યોને પણ ભારત આવવા માટે રાજી કરી દીધા. જાણે આજે જ નીતિનભાઈના લગ્ન હોય તેમ આખો અમેરિકન પરિવાર ઝૂમી ઉઠ્યો હતો. પત્ની તેમજ બાળકો પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમજ સગાસંબંધીયો પણ ભારતીય સંસ્કૃતિને જોઈને ખુશખુશાલ જોવા મળ્યા.