સહેજાબ ખત્રી, છોટાઉદેપુર : ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છવાયો છે. ત્યારે છોટાઉદેપુર તાલુકામાં આવેલા સજનપુરા ગામમાં ગુજરાત ચૂંટણીની કોઇ ચહલપહલ નથી. આ ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર પણ નથી કર્યો. તો આપને જાણીને નવાઇ લાગશે કે, દિયાવાંટ, કોલૂ, કઠીવાડા, ગુણાટા, કનાસ, મોટોસાધલી આ તમામ ગુજરાતના ગામની વચ્ચે આવેલું સજનપુર ગામનો ગુજરાતમાં સમાવેશ થતો નથી. આ સજનપુર ગામ મધ્યપ્રદેશમાં આવેલું છે જેના કારણે અહીં ગુજરાતની ચૂંટણીની કોઇ અસર નહીં થાય. ત્યારે તમને આશ્ચર્ય થશે કે, છોટાઉદેપુર જિલ્લામાં આવલા આ ગામનો મધ્ય પ્રદેશમાં ક્યાંથી સમાવેશ થાય? આની પાછળનું રસપ્રદ કારણ પણ આપણે જાણીએ.
મધ્ય પ્રદેશની સરહદ નજીક દિયાવાંટ, કોલૂ, કઠીવાડા, ગુણાટા, કનાસ, મોટોસાધલી આ તમામ ગુજરાતના ગામની વચ્ચે સજનપુર ગામ આવેલું છે. લોકો પાસેથી આ અંગે મહત્ત્વની વાત જાણવા મળી કે, વર્ષો પહેલા આ ગામમાં સાધુઓની સંખ્યા ખાસ હતી. રજવાડાના સમયે આ ગામના સાધુએ મધ્યપ્રદેશના રાજા પાસેથી જાત્રા કરવા જવા માટે રકમ લીધી હતી અને તેની સામે આ ગામને તેઓએ રાજાને આપ્યું હતું.
તેમણે રાજાને જણાવતા કહ્યુ હતું કે, હું પરત આવીશ અને આ ગામને છોડાવી લઈશ. પણ સાધુ પરત ના આવ્યા અને ગામને ના છોડાવ્યું. ત્યારથી આ ગામ મધ્યપ્રદેશના હસ્તકમાં છે. આ ગામની સ્થિતિ વર્ષો બાદ પણ તેવી જ કથળેલી છે. સજનપુર ગામને જોડતો જે કાચો રસ્તો ગુજરાતનો હતો તે આજે પણ કાચો જ છે. જેને લઇ અવર જવર કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ ઉપરાંત ગામથી માત્ર બે કિમી દૂર આવેલી શાળામાં પર જતા બાળકોને ચોમાસાના સમયે હાલત કફોડી બને છે.